મુંબઈના કલાકાર અદ્વૈત નાદા વરેકર દ્વારા પોર્ટેઇટ પેઈન્ટિંગનું જીવંત નિદર્શન અને માર્ગદર્શન અપાયું
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
કલા નગરી તરીકે ઓળખાતા પોરબંદરમાં ચિત્રકલાના ક્ષેત્રે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન અવિરત થતું રહે છે. આજે ૧૫મી મેના રોજ પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરીના ૧૦મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની વિવિધ ફાઇન આર્ટસ કોલેજોના વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ કલાકારો માટે ત્રણ દિવસની ઓઇલ કલર પોર્ટેઇટ શિબિર, કાર્યશાળા અને નિદર્શનનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ શિબિરના પ્રથમ દિવસે મુંબઈથી પધારેલા જાણીતા કલાકાર અદ્વૈત નાદા વરેકર દ્વારા ઉપસ્થિત તાલીમાર્થીઓને પોર્ટેઇટ પેઈન્ટિંગ અંગે ઝીણવટભર્યું માર્ગદર્શન અને જીવંત નિદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ શિબિરનું ઉદ્ઘાટન સનત કુમાર જોશીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ કલામય પ્રસંગે મુંબઈના દિગ્ગજ ચિત્રકાર કિશોરજી નાદાવારેકર, કચ્છ ભુજના સુધાબેન ઘેવરીયા, સુરતના નિરુપમાબેન ટાંક, ભાવનગર અને કચ્છ ભુજના કલાકાર બિપીન સોની તથા જુનાગઢના રિયા મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલિયા, કલાકાર કમલ ગોસ્વામી, કરશન ઓડેદરા, શૈલેષ પરમાર, દિનેશ પોરિયા, જગદીપ ઓઝા, ધારા જોશી અને દીપક વિઠ્ઠલાણીએ હાજર રહી કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ચંદ્રેશ કિશોર દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિબિર આગામી બે દિવસ સુધી કાર્યરત રહેશે જેમાં કલાના વિદ્યાર્થીઓને ઓઇલ કલરના માધ્યમથી ચિત્રકલાની નવીન પદ્ધતિઓ શીખવા મળશે. એમ ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ તરફથી બલરાજ પાડલીયાએ જણાવ્યું છે.
