Headlines

શું બોલવું તેના કરતાં શું ન બોલવું તે વધારે મહત્વનું છે: પત્રકાર જગદીશ મહેતા


સાત્વિક યજ્ઞમાં વિધિ, અન્નદાન, મંત્ર, દક્ષિણા અને શ્રદ્ધા અનિવાર્ય હોવાનું જણાવતા મોરારિબાપુ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
​ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલા ધોળા ગામે કનુબાપુ બાદલ પરિવાર દ્વારા મણિમા, જીવરામબાપુ તથા લીલાબાના સ્મરણાર્થે બે દિવસીય વૈદિક સનાતન ધર્મોત્સવ અને વિષ્ણુ મંડપ સાથે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર અને સોમવાર દરમિયાન યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં દ્વારકા શારદાપીઠના નારાયણનંદ સ્વામી અને જાણીતા કથાકાર મોરારિબાપુ સહિતના ધર્માચાર્યો, ગાદીપતિઓ તેમજ સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્યંત ભાવ અને ઉમંગ સાથે ઉજવાયેલા આ ધર્મ પ્રસંગમાં મુખ્ય પ્રેરક ઉદ્બોધન આપતા મોરારિબાપુએ વૈદિક ધર્મના કારણે સમાજમાં રહેલી સુરક્ષાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વર્તમાન સમયની અરાજકતા વચ્ચે સનાતન વૈદિક નિર્ણયોમાં સાધુમત અને વેદમતની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. કલ્યાણ મંડપ, લગ્ન મંડપ, યજ્ઞ મંડપ, ગગન મંડપ અને વિષ્ણુ મંડપ અંગે સુંદર મહિમા રૂપક પ્રસ્તુત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ સાત્વિક યજ્ઞને સફળ બનાવવા માટે વિધિ, અન્નદાન, મંત્ર, દક્ષિણા અને શ્રદ્ધા જેવા પાંચ તત્વો અત્યંત અનિવાર્ય છે.
​આ ધર્મોત્સવમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહેલા દ્વારકા શારદાપીઠના નારાયણનંદ સ્વામીએ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ભારતભૂમિના સનાતન ધર્મનો મહિમા વર્ણવ્યો હતો. તેમણે જન્મદાતા માતા, ધરતી માતા અને ગાય માતાના મહત્વને સમજાવીને નવી પેઢીમાં બાળ સંસ્કારોના સિંચન પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ટકોર કરતા જણાવ્યું હતું કે ધાર્મિકતા માટે કોઈ આડંબર કે પ્રદર્શન કરવાની જરૂર નથી, પરંતુ તેને પોતાના ઘર અને આચરણમાંથી જ પ્રગટ કરવી જોઈએ. આ પ્રસંગે ગોહિલવાડ રાજવી પરિવારના જયવીરરાજસિંહ ગોહિતે કાર્યક્રમ પ્રત્યે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને ભાવનગરની ભવ્ય સંસ્કાર પરંપરાને યાદ કરીને ઉપસ્થિત સૌ નાગરિકોને શારીરિક તેમજ માનસિક ભાવના મજબૂત કરવા માટે અનુરોધ કર્યો હતો, સાથે જ તેમણે સમાજની નારીશક્તિની વંદના પણ કરી હતી.
​કાર્યક્રમ દરમિયાન જાણીતા પત્રકાર જગદીશ મહેતાએ પ્રાસંગિક વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં બોલવા કરતાં શું ન બોલવું તે કળા શીખવી વધુ જરૂરી બની ગઈ છે. તેમણે ઉમેર્યું હતું કે આજના સમયમાં માત્ર સૂત્રોની નહીં પરંતુ મંત્રની વાસ્તવિક આવશ્યકતા છે અને આવા મંત્રો માત્ર ધર્માચાર્યો જ સમાજને આપી શકે છે. ઉમરાળાના સરપંચ અને સાત્વિક ઉપાસક ધર્મેન્દ્ર હેજમે પોતાની વાત રજૂ કરતા ધાર્મિકતા અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપતા આવા ભવ્ય પ્રસંગોના મહત્વની સરાહના કરી હતી. સમગ્ર આયોજનના યજમાન કનુબાપુ બાદલ દ્વારા તમામ સંતો અને મહારાજશ્રીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પવિત્ર સંતોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે તેમણે વર્ષોથી પગરખાં નહીં પહેરવાની રાખેલી પોતાની અંગત ટેક અહીં પૂર્ણ કરી હતી.
​ધોળા ગામે યોજાયેલા આ પવિત્ર વિષ્ણુ મંડપ યજ્ઞમાં વિદ્વાન ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને વૈદિક વિધિ વિધાન સાથે અનેક યજમાન દંપતીઓએ પવિત્ર આહુતિઓ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. આ મહોત્સવને સફળ બનાવવા માટે ઝીણારામજી મહારાજ, ભક્તિરામબાપુ, બાબુરામબાપુ, મૂકેશગિરિબાપુ, નિરંજનદેવગિરિજી અને દેવલમાતા સહિતના અનેક પૂજનીય સંતો અને ધાર્મિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર ધર્મોત્સવના સફળ સંચાલન અને સંકલનની જવાબદારી અગ્રણી હરૂભાઈ ગોંડલિયા અને ભારતીબેન ભીંગરાડિયાએ ખૂબ જ સુચારૂ રૂપે નિભાવી હતી, જેના કારણે સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *