Headlines

દ્વારકા નજીક સીલ કરાયેલી સ્કાય હોટલમાં ખાતર પાડનારા સાત આરોપીઓ ઝડપાયા


– એસ.ઓ.જી. પોલીસે રૂ. 2.64 લાખનો મુદ્દામાલ કબજે –

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬


         દ્વારકા – મીઠાપુર માર્ગ પર રૂપેણ બંદર નજીક આવેલી અને એસડીએમના હુકમથી સીલ કરાયેલી સ્કાય કમ્ફર્ટ હોટલમાં થોડા દિવસો પૂર્વે થયેલી ચોરીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. રાજકોટના રહેવાસી હુસેનભાઈ ભારમલની માલિકીની આ હોટલને લગભગ એક વર્ષ પૂર્વે દ્વારકાના પ્રાંત અધિકારી દ્વારા સીલ મારી, બંધ કરાવવામાં આવી હતી અને ત્યારથી હોટલ બંધ હાલતમાં હતી. જેમાં કેટલાક તસ્કરોએ હાથફેરો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

        જેમાં અજાણ્યા તસ્કરોએ હોટલને નિશાન બનાવી પાછળનો દરવાજો તેમજ કાચની બારીઓ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં હોટલના વિવિધ વિભાગોમાંથી આશરે રૂ. 3 લાખના ઇલેક્ટ્રિક વાયર, ત્રણ સીલીંગ ફેન, ચાર ટીવી, એક એર કન્ડીશનર અને કોમ્પ્યુટર એસેસરીઝ સહિત કુલ રૂ. 4,04,500ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

           આ બનાવ અંગે હોટલના સંચાલક અબ્દુલ કાદીર કાસમભાઈ સિદાદ (રહે. રાજકોટ) દ્વારા દ્વારકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ શરૂ કરી હતી. આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ પી.એસ.આઈ. ડી.એ. વાળાની ટીમ દ્વારા સધન તપાસ દરમિયાન પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા સાત આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડ્યા હતા.

        ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી એવા રૂપેણબંદર વિસ્તારમાં રહીશ બશીર અબ્દુલ્લા પટેલીયા, જાવેદ સુલેમાન ઈબ્રાહીમ લુચાણી, ઇમામશા ઉર્ફે ઇમરાન ઉર્ફે ઇમલો મામદશા શેખ, અરમાનશા મામદશા ફકીરબાવા અને કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ મોહનભાઈ હિંડોચાનો સમાવેશ થાય છે.

     આ ઉપરાંત અન્ય બે આરોપીઓ એવા રૂપેણ બંદર વિસ્તારના રહીશ સોયબ હારુન મુસા ઢોકી અને અખ્તર હુસેન બસીર સુલેમાન સુમારીયા નામના બે શખ્સોને પણ પોલીસે દબોચી લીધા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 2,63,933 ની કિંમતની ચોરી કરવામાં આવેલી જુદી જુદી 15 ચીજ વસ્તુઓ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ સાથે આ આરોપીઓ અગાઉ અન્ય ચોરીના બનાવોમાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ દ્વારકા પોલીસ દ્વારા તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

      આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા, પી.એસ.આઈ. ડી.એ. વાળા, એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, ચિરાગસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, કિશોરસિંહ જાડેજા, નિર્મલભાઈ, યોગેશભાઈ, સ્વરૂપસિંહ, લખમણભાઈ, કિશોરભાઈ અને દિનેશભાઈની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *