– શોર્ટ સર્કિટથી ભડકેલી જ્વાળાઓએ બીજી કારને પણ લીધી ઝપેટમાં –
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક આગની ગંભીર ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કલ્યાણપુર તાલુકાના ભાટિયા નજીકના હર્ષદ રોડ પર આવેલી એક સોસાયટીમાં પાર્ક કરેલી કારમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ પાર્કિંગમાં ઉભેલી કારમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા બાદ થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે બાજુમાં પાર્ક કરેલી બીજી કાર પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી. બંને વાહનોમાંથી ઉઠતી જ્વાળાઓ અને ધુમાડાને કારણે સોસાયટી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પાણી તેમજ અન્ય સાધનોની મદદથી આગને વધુ ફેલાતી અટકાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. જો કે બંને કારને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે ભય સાથે ગભરાટનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
