Headlines

ભાણવડ પંથકમાં બે સ્થળોએથી કારમાં લઈ જવાતા દેશી દારૂના તોતિંગ જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા


– રૂ. સવા સાત લાખનો મુદ્દામાલ કબજે –

– પાંચની શોધખોળ: એલસીબી પોલીસની કાર્યવાહી –

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬

     દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે આજરોજ ભાણવડ પંથકમાં દેશી દારૂ સામે સધન કાર્યવાહી કરીને દેશી દારૂ, વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા સવા સાત લાખ જેટલા મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં પાંચ શખ્સો ફરાર જાહેર થયા છે.

      આ સમગ્ર એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીની ટીમ દ્વારા આજરોજ ભાણવડ પંથકમાં દારૂ અંગેની પ્રવૃત્તિ સામે કડક હાથે કાર્યવાહી કરવા અલગ અલગ ટીમો બનાવીને કામગીરી કરવામાં આવી હતી. જેમાં ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામેથી પસાર થતી સફેદ કલરની જી.જે. 12 ડી.એ. 7741 નંબરની એક ક્રેટા મોટરકારમાં મોરઝર ગામ બાજુથી શેઢાખાઈ ગામે આવી રહેલા કેશુ ઉર્ફે કિશન કમાભાઈ મોરી (રહે. હાલ પાછતર, મૂળ રહે. ટીંબડી, ભાણવડ) નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.

        આ મોટરકારમાં ચેકિંગ કરવામાં આવતા આ કારમાંથી રૂપિયા 1.40 લાખની કિંમતનો 700 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે રૂ. ત્રણ લાખની કિંમતની ક્રેટા મોટરકાર સહિત કુલ રૂપિયા 4,40,500 નો મુદ્દામાલ કબજે કરી, આરોપી કેશુ ઉર્ફે કિશન મોરીની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં પાછતર ગામનો વિનુ ટપુભાઈ મોરી અને લાલપુર તાલુકાના પીપળી ગામનો ધંધાભા દેવદાસ ગુજરીયા નામના બે શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

       અન્ય એક કાર્યવાહીમાં એલસીબી પોલીસે શેઢાખાઈ ગામ પાસેથી જી.જે. 10 ડી.એ. 7249 નંબરની ઈક્કો મોટરકારમાંથી રૂ. 80,000 ની કિંમતના 400 લીટર દેશી દારૂના જથ્થા સાથે લાલપુર તાલુકાના ધારાનગર વિસ્તારમાં રહેતા ફઝલ હુસેન ઘાવડા નામના શખ્સની અટકાયત કરી, રૂ. 2,00,000 ની કિંમતની ઈક્કો મોટરકાર સહિત કુલ રૂ. 2,85,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં જામનગરનો હિતેશ ઉર્ફે સાકીડો સોમાભાઈ ચાવડા, નાજીર ઉર્ફે નાઝલો નુરમામદ ઘોઘા અને એક અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

        આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા, હરપાલસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, ગોવિંદભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, પરેશભાઈ સાંજવા, મુકેશભાઈ કેસરિયા, હસમુખભાઈ કટારા, મનહરસિંહ જાડેજા અને કિરપાલસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *