ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા
ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના ઓદરકા ગામે પોલીસ દ્વારા દારૂના અડ્ડા પર રેઇડ કરવામાં આવી હતી. ઘોઘા પોલીસ મથકના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઓદરકા ગામના ચરણ વિસ્તારમાં આવેલા ચેકડેમ પાસે રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન ઘટનાસ્થળેથી આરોપી દિલીપસિંહ ઉર્ફે મુન્નો બાબભા ગોહીલ હાજર મળી આવ્યો ન હતો.
પોલીસે તપાસ કરતા સ્થળ પરથી પ્લાસ્ટિકના ૨ બેરલ મળી આવ્યા હતા, જેમાં દેશી દારૂ બનાવવાનો ૪૦૦ લીટર ખાટી અને તીવ્ર વાસવાળો આથો (વોશ) ભરેલો હતો. પોલીસે ₹૧૦,૦૦૦ ની કિંમતનો આથો અને ₹૧,૦૦૦ ની કિંમતના બે બેરલ મળીને કુલ ₹૧૧,૦૦૦ નો પ્રોહીબિશન લગત મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કાયદાકીય જોગવાઈ મુજબ તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. ઘોઘા પોલીસે ફરાર આરોપી સામે પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫(એફ) મુજબ ગુનો નોંધ્યો છે. આ કેસમાં ફરિયાદી તરીકે પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઇ રણછોડભાઇ ગલસર છે અને કેસની આગળની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ લાલુભા ગોહિલ ચલાવી રહ્યા છે.
