
ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપર
દેશભરમાં હાલ નબળા બાંધકામો અને ભ્રષ્ટાચારને કારણે કરોડોના ખર્ચે બનેલા પુલો તેમજ નાળાઓ પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. વિકાસના નામે સરકારી નાણાંનો દુરુપયોગ કરતા કોન્ટ્રાક્ટરો સામે જ્યારે સ્થાનિક જનતા અને મીડિયા જાગૃત બને છે, ત્યારે કેવું સકારાત્મક પરિણામ આવે છે તેનો જીવતોજાગતો દાખલો ભાવનગર પંથકના નવારતનપર ગામે જોવા મળ્યો છે. નવારતનપર ખાતે નહેર પર બની રહેલા નાળાના કામમાં કોન્ટ્રાક્ટર શક્તિનંદન કોર્પોરેશન દ્વારા આચરવામાં આવી રહેલા આડેધડ ભ્રષ્ટાચાર અંગે ‘ધ ગ્રેટ વર્લ્ડ’ દ્વારા સતત બે વખત ધારદાર અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ અહેવાલોની એવી વ્યાપક અને ધારદાર અસર થઈ છે કે ભ્રષ્ટાચાર આચરી રહેલા કોન્ટ્રાક્ટરોના હોશ ઉડી ગયા છે અને તેઓ હવે કાયદેસર રીતે નિયમ અનુસાર મજબૂત કામ કરવા મજબૂર બન્યા છે.
ઘટનાની વિગતો એવી છે કે, નવારતનપર ગામ નજીક નહેર પર ₹૧૯.૬૬ લાખના સરકારી ખર્ચે નવું નાળું (બોક્સ કલવર્ટ) બનાવવાનું કામ કોન્ટ્રાક્ટર શક્તિનંદન કોર્પોરેશનને સોંપવામાં આવ્યું હતું. જો કે, કોન્ટ્રાક્ટરે આ આખું કામ માત્ર ₹૧.૬૬ લાખ જેવા નજીવા ખર્ચમાં ધબેડી નાખવાનો કારસો રચ્યો હતો. કાયદેસરના નિયમો અને મજબૂતીના માપદંડોને નેવે મૂકીને લોખંડના સળિયા વગર જ સીધું માટીથી પુરાણ કરી દેવાનો અને નબળું કામ કરીને રોકડી કરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ગંભીર બાબત સામે આવતા જ ‘ધ ગ્રેટ વર્લ્ડે’ પર્દાફાશ કરતો અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

આ સમાચાર પબ્લિશ થતાં જ નવારતનપર ગામના જાગૃત અને નીડર સરપંચ ગૌતમ બારૈયા તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા હતા. સરપંચ ગૌતમ બારૈયાએ પોતાના હોદ્દા કે ખુરશીની પરવા કર્યા વગર શક્તિનંદન કોર્પોરેશનના ભ્રષ્ટાચાર સામે મોરચો માંડ્યો હતો. તેઓએ વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે રૂબરૂ મુલાકાત લીધી હતી અને નબળા કામને અટકાવી દીધું હતું. એટલું જ નહીં, સરપંચે આ કૌભાંડ અંગે રાજ્યના મુખ્યમંત્રી તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી લેખિત રજૂઆત કરીને કાયદેસરના કડક પગલાં લેવાની આક્રમક તૈયારી બતાવી હતી.

મીડિયાનો પ્રહાર અને સરપંચના આ આક્રમક તેવરને પગલે શક્તિનંદન કોર્પોરેશનના કર્તાહર્તાઓ સંપૂર્ણપણે ડાયમરા (લાઈન પર) થઈ ગયા છે. સરકારી બ્લેકલિસ્ટમાં મુકાઈ જવાનો અને જેલ ભેગા થવાનો ડર લાગતા કોન્ટ્રાક્ટરે રાતોરાત પોતાની ભૂલ સુધારી લીધી છે. સ્થળ પરથી પ્રાપ્ત થયેલી નવીનતમ તસવીરો સાક્ષી પૂરે છે કે, જે જગ્યાએ અગાઉ માત્ર માટીનું પુરાણ કરીને છેતરપિંડી આચરવામાં આવતી હતી, ત્યાં હવે એન્જિનિયરિંગના નિયમ અનુસાર લોખંડના કાયદેસરના જાડા સળિયાનું આખું મજબૂત માળખું (સ્ટીલ રીઇન્ફોર્સમેન્ટ) ઊભું કરવામાં આવ્યું છે. તદુપરાંત, નિયત માપદંડ મુજબ ગુણવત્તાયુક્ત સિમેન્ટ કોંક્રીટનું સ્લેબ વર્ક પણ શરૂ કરી દેવાયું છે અને કોંક્રીટ સેટ થઈ ગયા બાદ તેના પર ગુણિયા (કોથળા) પાથરીને યોગ્ય રીતે પાણીનો છંટકાવ (ક્યોરિંગ) પણ કરવામાં આવી રહ્યો છે જેથી બાંધકામને મહત્તમ મજબૂતી મળી શકે.
‘ધ ગ્રેટ વર્લ્ડ’ના સતત મીડિયા વોચડોગ તરીકેના રોલ અને સરપંચ ગૌતમ બારૈયાની પ્રશંસનીય સક્રિયતાના કારણે નવારતનપર ગામના લોકોને આવનારા ચોમાસામાં તૂટી પડે તેવું નબળું નહીં, પરંતુ દાયકાઓ સુધી અડીખમ રહે તેવું અત્યંત મજબૂત નાળું મળશે. આ મોટી સફળતા અને લોકહિતના કામ બદલ નવારતનપર ગામના વડીલો, ખેડૂતો અને સ્થાનિક નાગરિકોએ ખુશી વ્યક્ત કરીને ‘ધ ગ્રેટ વર્લ્ડ’ પ્લેટફોર્મ અને સરપંચ ગૌતમ બારૈયાનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. આ કિસ્સો સાબિત કરે છે કે જો ગામના પંચાયતના વડા સજાગ હોય તો ભ્રષ્ટાચારના મૂળિયાં ઉખેડી શકાય છે. આવા અનેક સારા પગલાઓને કારણે સરપંચ ગૌતમ બારૈયાની લોકપ્રિયતા રાત દિવસ વધી રહી છે. તેઓ આગામી દિવસોમાં વિકાસના અનેક કામો લઈને આવી રહ્યા છે.
