ધ ગ્રેટ વર્લ્ડ, વરતેજ/ભાવનગર
ભાવનગર તાલુકાના રાજકારણમાં આજે એક બહુ મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જેનાથી વિરોધ પક્ષ કોંગ્રેસના સ્થાનિક માળખાને મોટો ફટકો પડ્યો છે. વરતેજ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને કોંગ્રેસના તાલુકા કક્ષાના મજબૂત નેતા જયપાલસિંહ રાઠોડ અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રમેશભાઈ મેર સહિત પાંચ સરપંચોએ આજે કોંગ્રેસનો હાથ છોડીને સત્તાધારી પક્ષ ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના સુપુત્ર દિવ્યેશ સોલંકી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ શિયાળે વરતેજ ખાતે યોજાયેલા એક જાહેર સમારોહમાં આ તમામ નેતાઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. જયપાલસિંહ રાઠોડે પત્રકારોને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈને તેઓ ભાજપમાં જોડાયા છે. આ પક્ષપલટાને કારણે આગામી તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં વિરોધ પક્ષનું સંખ્યાબળ વધુ નબળું પડ્યું છે અને સત્તાધારી પક્ષ વધુ મજબૂત સ્થિતિમાં આવી ગયો છે.
