લાંબા સમયથી બા કી રહેલી રકમ ખાતામાં જમા થવાની પ્રક્રિયા શરૂ થતાં હજારો પરિવારોમાં આનંદની લાગણી પ્રસરી
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદરના નાના આઉટબોર્ડ મોટર માછીમારોની છેલ્લા ચાર મહિનાથી બાકી રહેલી પેટ્રોલ સબસિડીના પ્રશ્નને લઈને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રશ્નની ગંભીરતાને સમજીને અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રાલય સમક્ષ તાત્કાલિક અને અસરકારક રજૂઆત કરી હતી. આ રજૂઆતના હકારાત્મક પરિણામ સ્વરૂપે ગણતરીના દિવસોમાં જ એક મહિનાની બાકી સબસિડી નાના માછીમારોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવી છે. પોરબંદરના સહાયક મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા સત્તાવાર રીતે એવી જાણ કરવામાં આવી છે કે બાકીના અન્ય મહિનાઓની સબસિડી પણ આગામી અઠવાડિયા દરમિયાન માછીમારોના ખાતામાં સીધી ચૂકવી દેવામાં આવશે. સરકારના આ ઝડપી નિર્ણયથી પોરબંદર પંથકના હજારો નાના આઉટબોર્ડ મોટર માછીમાર પરિવારોમાં વર્ષો પછી મોટી રાહત અને આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
આ સફળ રજૂઆત બદલ નાના આઉટબોર્ડ મોટર માછીમારો તરફથી પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સાથે માછીમાર સમાજની જટિલ સમસ્યાને અત્યંત સંવેદનશીલતાથી સમજીને તેના પર ખૂબ જ ઝડપી અને હકારાત્મક કાર્યવાહી કરવા બદલ રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીનો પણ માછીમાર આગેવાનો દ્વારા ખાસ આભાર માનવામાં આવ્યો હતો. આ બેઠક અને મુલાકાત દરમિયાન માત્ર સબસિડી પૂરતી જ ચર્ચા સીમિત ન રાખતા, સમગ્ર ગુજરાત રાજ્યના નાના આઉટબોર્ડ મોટર માછીમારોના વર્ષો જૂના અને વિવિધ પડતર પ્રશ્નોને લઈને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને ભવિષ્યની નીતિઓ ઘડવા માટે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ લેખિત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા હતા.
મંત્રી સમક્ષ રજૂ કરાયેલા મુખ્ય મુદ્દાઓમાં સૌપ્રથમ એવી માંગ કરવામાં આવી છે કે આઉટબોર્ડ મોટર માછીમારોની પેટ્રોલ બિલોની પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવે, જેથી કરીને મોટી ટ્રોલિંગ બોટોની જેમ જ સહકારી મંડળીના પેટ્રોલ પંપ પરથી સીધેસીધી ઓનલાઈન બિલ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. આ ઉપરાંત ગિલ નેટ યોજના હેઠળ હાલમાં મળતી પચ્ચીસ હજાર રૂપિયાની ખૂબ જ અલ્પ સબસિડીને વધારીને ઓછામાં ઓછી બે લાખ પચાસ હજાર રૂપિયા સુધી કરવામાં આવે, કારણ કે આજના સમયમાં નવી ગિલ નેટ લાવવાનો વાસ્તવિક ખર્ચ છ થી સાત લાખ રૂપિયા જેટલો થતો હોય છે. તેવી જ રીતે માછીમારો માટેનો હાલનો માસિક બસો પચાસ લીટર અને વાર્ષિક પંદરસો લીટર પેટ્રોલનો ક્વોટો ખૂબ ઓછો પડતો હોવાથી, તેને વધારીને માસિક ચારસો પચાસ લીટર અને વાર્ષિક ચાર હજાર પાંચસો લીટર સુધીનો કરવાની માંગ પણ જોરશોરથી ઉઠાવવામાં આવી છે.
આગળની રજૂઆતમાં આઉટબોર્ડ મોટર અપગ્રેડેશન યોજના હેઠળ માછીમારોને હાલમાં જે બે લાખ પચાસ હજાર રૂપિયાની સબસિડી મળી રહી છે, તેને વધારીને ઓછામાં ઓછી સાત લાખ પચાસ હજાર રૂપિયા સુધી કરવામાં આવે તેવી ભલામણ કરાઈ છે કારણ કે મોંઘવારીના કારણે નવી બોટ અને આધુનિક સાધનો ખરીદવાનો કુલ ખર્ચ હવે વીસ લાખ રૂપિયાની સપાટી સુધી પહોંચી ગયો છે. આ સિવાય સમુદ્રમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં સંપૂર્ણપણે પ્રતિબંધિત એવી લાઈન ફિશિંગ સામે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા ખૂબ જ કડક અને ચુસ્ત અમલવારી કરવામાં આવે, જેથી દરિયાકાંઠાના નાના પરંપરાગત માછીમારોની રોજીરોટી છીનવાતી બચે અને આપણી કિંમતી સમુદ્રી જીવસૃષ્ટિનું પણ યોગ્ય રક્ષણ થઈ શકે.
પોરબંદર માછીમાર પિલાણા એસોસિએશનના તમામ મુખ્ય આગેવાનો અને હોદ્દેદારો દ્વારા એવી પૂરેપૂરી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે ભવિષ્યના દિવસોમાં પણ પોરબંદર તેમજ સમગ્ર ગુજરાતના નાના આઉટબોર્ડ મોટર માછીમારોના બાકી રહી ગયેલા તમામ પ્રશ્નો અને મંજૂર કરવાના થતા વિવિધ વિકાસ કાર્યો ધારાસભ્યના યોગ્ય માર્ગદર્શન તેમજ સતત સહકારથી ખૂબ જ ઝડપથી પૂર્ણ થશે. ધારાસભ્ય અને મંત્રી સાથેની આ અત્યંત મહત્વપૂર્ણ સત્તાવાર મુલાકાત દરમિયાન પોરબંદર પિલાણા એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ વાંદરિયા, ઉપપ્રમુખ પ્રિતેશભાઈ જુંગી, માજી પ્રમુખ ભાસ્કરભાઈ પાંજરી તેમજ ફિશરીઝ સેલના સક્રિય સભ્ય હર્ષિતભાઇ શિયાળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ માછીમારો વતી અવાજ ઉઠાવ્યો હતો.
