Headlines

એશિયાઈ સિંહોમાં સી.ડી.વી. અને બેબીસાયા જેવા ચેપી રોગોના વહેલા નિદાન માટે વનમંત્રીને પરિમલ નથવાણીની અપીલ


જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬

(કુંજન રાડિયા દ્વારા)

         અહેવાલો અનુસાર ગિર તથા બૃહદ્ ગિર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (સી.ડી.વી.) અને બેબીસીયાના કારણે આઠ કે તેથી વધુ સિંહોના મૃત્યુ અંગે રાજ્ય સભા સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને સુપ્રસિધ્ધ સિંહપ્રેમી પરિમલભાઈ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. સિંહોના મૃત્યુ અટકાવવા, રોગચાળાગ્રસ્ત સિંહોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા અને રોગચાળાને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક અસરથી પગલાં લેવા માટે તેમણે કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ તેમજ ગુજરાતના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનેપત્ર લખીને અનુરોધ કર્યો છે.

       પરિમલભાઈ નથવાણીએ સિંહોના મૃત્યુને અત્યંત ચિંતાજનક બાબત જણાવી હતી. “જોકે, મને પૂર્ણ વિશ્વાસ છે કે ગિર નેશનલ પાર્ક મેનેજમેન્ટ તથા સરકારનો વન વિભાગ આ મુદ્દે પૂરતી સતર્કતા અને કાળજી રાખી રહ્યું હશે, તેમજ સિંહોના મૃત્યુ અટકાવવા, રોગચાળાગ્રસ્ત સિંહોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા અને રોગચાળાને નિયંત્રિત કરવા માટે દિવસ-રાત કાર્યરત હશે”, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

      પરિમલભાઈએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે ગિર તથા બૃહદ્ ગિર વિસ્તારમાં એશિયાઈ સિંહોની વધતી વસતિ સાથે તેમના આરોગ્ય સંબંધિત જોખમોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને સી.ડી.વી. તથા બેબીસીયા જેવા રોગો સિંહોની વસતિ માટે ગંભીર પડકારરૂપ બની શકે છે. આવા રોગોના વહેલા નિદાન, ઝડપી પ્રતિસાદ અને અસરકારક નિયંત્રણ માટે ફિલ્ડ સ્તરે સુવ્યવસ્થિત અવલોકન અને રિપોર્ટિંગ વ્યવસ્થાને વધારે અસરકારક બનાવવવી અત્યંત આવશ્યક છે, એમ તેમણે જણાવ્યું હતું.

        ટ્રેકર્સ, બીટ ગાર્ડ, રાઉન્ડ સ્ટાફ તથા વેટરનરી ટીમ માટે “Field Observation Protocol” અમલમાં મુકવા વિનંતી કરવામાં આવે છે. ફિલ્ડ સ્ટાફ દ્વારા સિંહોમાં દેખાતા અસામાન્ય વર્તન, શારીરિક નબળાઈ, શ્વસન તકલીફ, ટિક્સનો ભારે ઉપદ્રવ, અસ્થિર ચાલ, દિશાભ્રમ, વિગેરેનું નિયમિત અવલોકન કરવા અંગે પણ મંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

          આ ઉપરાંત, પરિમલ નથવાણીએ વિનંતી કરી છે કે એક જ વિસ્તારમાં એકથી વધુ સિંહોમાં સમાન લક્ષણો જણાય તો તેને “હાઈ એલર્ટ” તરીકે ગણવામાં આવે અને તરત જ ઉચ્ચ અધિકારીઓ તથા વેટરનરી રેપિડ રિસ્પોન્સ ટીમને જાણ કરવામાં આવે. દરેક શંકાસ્પદ કેસમાં તારીખ, સમય, સ્થળ, જી.પી.એસ. લોકેશન, સિંહોની સંખ્યા, ઉંમર, વર્તન તથા ફોટોગ્રાફિક રેકોર્ડ રાખવામાં આવે તેમજ મૃત અથવા ગંભીર રીતે બીમાર પ્રાણીઓના કિસ્સામાં બિનઅધિકૃત હેન્ડલિંગ ટાળવું તથા નિર્ધારિત એસ.ઓ.પી. મુજબ જ કાર્યવાહી કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે.

     સી.ડી.વી. નું સંક્રમણ કૂતરાઓ મારફતે ફેલાવાની શક્યતા રહેલી હોવાથી લાંબા ગાળાના પગલાં પર ભાર મૂકતા પરિમલભાઈએ આસપાસના ગામના કૂતરાઓનું રસીકરણ, ટિક નિયંત્રણ કાર્યક્રમ, નિયમિત આરોગ્ય મોનીટરીંગ, ઝડપી લેબ ડાયગ્નોસ્ટિક વ્યવસ્થા અને ફિલ્ડ સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમ માટેના સૂચનો પણ વનમંત્રીને લખેલા પત્રમાં કર્યા છે.

       બેબીસીયા જેવી સ્થિતિમાં સિંહોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાથી સી.ડી.વી. જેવા વાયરસજન્ય ચેપ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, તેથી બંને રોગોને એકબીજા સાથે સંકળાયેલા જોખમ તરીકે ધ્યાનમાં લેવા જરૂરી છે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *