– ખર્ચ બચાવવા અને કોન્ટ્રાક્ટરની કહેવાતી નિષ્ક્રિયતા અંગે પાલિકા દ્વારા નિર્ણય –
જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬
ખંભાળિયા શહેરમાં કચરા અને ગંદકી અંગે નગરજનોમાં ઊઠેલી વ્યાપક ફરિયાદો તેમજ કોન્ટ્રાક્ટર સહિતના કહેવાતા ભ્રષ્ટાચારના આક્ષેપોને ધ્યાને લઈ અને નગરપાલિકા તંત્ર દ્વારા હવે ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી પોતાના સ્ટાફ દ્વારા જ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.
ખંભાળિયા શહેરમાં છેલ્લા આશરે ત્રણેક વર્ષથી કચરો એકત્ર કરી અને ડમ્પીંગ સાઈટમાં ઠલવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં વધતી જતી ગંદકીનું પ્રમાણ તેમજ કચરો ઉપાડવામાં અનિયમિતતા તથા કહેવાતા ભ્રષ્ટાચારના આક્ષેપો સહિતના મુદ્દે નગરપાલિકાના પ્રમુખ દ્વારા તાજેતરમાં કોન્ટ્રાક્ટર તેમજ સેનિટેશન વિભાગ તથા સ્ટાફ સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી.
ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. પરંતુ સંતોષકારક કામગીરી જોવા મળતી નથી. આ ઉપરાંત ગંદકી માટે વગોવાઈ ગયેલી ખંભાળિયા નગરપાલિકા દ્વારા હવે આગામી દિવસોમાં પોતાનો સ્ટાફ રાખીને જ ડોર ટુ ડોર કચરો એકત્ર કરી તેનો નિકાલ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હોવાનું પાલિકા પ્રમુખ વિજયભાઈ કણજારીયા દ્વારા જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ખંભાળિયા નગરપાલિકા દ્વારા આ પ્રકારે જ સેનિટેશન વિભાગ દ્વારા કચરા અંગેની કામગીરી કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વધુ ખર્ચ કરીને પણ કચરા અંગેની સંતોષકારક કામગીરી ન જણાતા હવે આ પગલું લેવામાં આવનાર હોવાનું વધુમાં જણાવાયું છે. આ અંગેનો આખરી નિર્ણય હવે આગામી જનરલ બોર્ડમાં લેવાનાર છે.
આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા ઓછા ખર્ચે તેમજ ભ્રષ્ટાચાર વગરની આ કામગીરી અમલમાં મૂકવામાં આવનાર છે. ત્યારે ગંદકીના નિકાલ સાથે ડોર ટુ ડોર કચરા કલેક્શન અંગે નગરજનોને પણ જરૂરી સાથ સહકાર આપવા પાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
