– સામસામા પક્ષે મહિલાઓ સહિત 11 સામે ફરિયાદ –
જામ ખંભાળિયા, તા. ૩૦: ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં રહેતા ભીખાભાઈ મેરામણભાઈ કરંગીયા નામના 52 વર્ષના આધેડને તેમના ભાઈ ખીમાભાઈ મેરામણભાઈ કરંગીયાએ પોતાના ભાગમાં જમીન ઓછી આવતા અઢી વીઘા જમીન તેણે ફરિયાદી ભીખાભાઈને આપવાનું કહ્યું હતું. પરંતુ ભીખાભાઈએ ના કહેતા આનાથી ઉશ્કેરાઈને આરોપી ખીમાભાઈ તથા પ્રવીણભાઈ ભીમાભાઈ કરંગીયા, દિનેશ ભીમાભાઈ, પિયુષ ખીમાભાઈ, રોનક દિનેશભાઈ, નિલેશ દિનેશભાઈ, શોભનાબેન પ્રવીણભાઈ અને નીતાબેન દિનેશભાઈ કરંગીયા નામના આઠ આરોપીઓએ ગેરકાયદેસર રીતે મંડળી રચી અને લોખંડના પાઈપ, કુહાડી, ધોકા તેમજ પથ્થર વડે હુમલો કર્યો હતો.
આ બઘડાટીમાં ફરિયાદી ભીખાભાઈ કરંગીયા તેમજ તેમના પરિવારના જાનાબેન વિગેરેને પણ ઈજાઓ થવા પામી હતી આમ, તમામ આઠ આરોપીઓએ જમીન બાબતે બિભત્સ ગાળો કાઢી, બેફામ માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
સામા પક્ષે કૃષ્ણગઢ ગામના વાડી વિસ્તારમાં રહેતા ખીમાભાઈ મેરામણભાઈ કરંગીયા (ઉ.વ. 65) એ ભીખાભાઈ મેરામણભાઈ કરંગીયા, જાનાબેન ભીખાભાઈ અને હરેશ ભીખાભાઈ કરંગીયા સામે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદી ખીમાભાઈ તથા તેના ભાઈ ભીખાભાઈની જમીનનું પ્રમોલોગેશન થતા આરોપી ભીખાભાઈની બે વીઘા જમીન ફરિયાદી ખીમાભાઈની જમીનમાં નીકળે છે, તેમ કહી ફરિયાદી ખીમાભાઈ સાથે બોલાચાલી કરી હતી.
આ બનાવમાં આરોપીઓએ લાકડી તથા ધારીયા વડે હુમલો કરી, બેફામ માર માર્યાની તથા બિભત્સ ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણમાં ભાણવડ પોલીસે બી.એન.એસ. તથા જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
