Headlines

કલ્યાણપુર નજીક બોલેરોની ઠોકરે બાઈક ચાલક પ્રૌઢનું અપમૃત્યુ


જામ ખંભાળિયા, તા. ૩૧-૦૫-૨૦૨૬

     કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રહેતા ભીખાભાઈ લગારીયા નામના આહીર પ્રૌઢ શનિવારે બપોરના સમયે કલ્યાણપુરથી ટંકારીયા ગામે તેમના જી.જે. 37 સી. 8096 નંબરના મોટરસાયકલ પર બેસીને રાણાભાઈ જાદવની સાથે આવી રહ્યા હતા. ત્યારે કલ્યાણપુરથી આશરે 7 કિલોમીટર દૂર રાવલ – ભાટીયા રોડ પર આવેલી સર્વોદય સ્કૂલની વાડીની બાજુમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ રાવલ ગામ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી. 4399 નંબરના એક બોલેરોના ચાલકે ગોલાઈ પાસે તેમને તેમના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

     જેના કારણે ભીખાભાઈ લગારીયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા બાઈક ચાલક રાણાભાઈને પણ ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

       આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના પુત્ર ગોવિંદભાઈ ભીખાભાઈ લગારીયા (ઉ.વ. 25, રહે. ટંકારીયા) ની ફરિયાદ પરથી બોલેરોના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે. 

_____________________________________________________________________________

ઈક્કો કારની ઠોકરે લાંબા ગામની પરિણીતાનું મૃત્યુ

       કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા પુરીબેન વેજાણંદભાઈ ગોજીયા નામના 28 વર્ષના આહિર મહિલાને તેમના ઘર પાસેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા ઈક્કો કારના ચાલકે પાછળથી અડફેટે લેતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.

     આ બનાવ અંગે મૃતકના પતિ વેજાણંદભાઈ રણમલભાઈ ગોજીયા (ઉ.વ. 29, રહે. લાંબા) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે અજાણ્યા ઈક્કો કાર ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ..એન. વાળા દ્વારા હાથ ધરવામાં આવી છે.

_____________________________________________________________________________

ખંભાળિયા નજીક બાઈક સ્લીપ થતા વિપ્ર યુવાનનું મૃત્યુ

        ખંભાળિયા તાલુકાના ફોટ ગામે રહેતા હસમુખભાઈ ગોવિંદભાઈ જોશી નામના 47 વર્ષના યુવાન પોતાના મોટરસાયકલ પર લાલપરડા ગામથી જૂની ફોટ ગામે થઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં કોઈ કારણોસર તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જતા તેઓ બાઈક સાથે ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રક્ષાબેન હસમુખભાઈ જોશીએ અહીંની પોલીસને કરી છે.

_____________________________________________________________________________

મોરમ ભરવા ગયેલા યુવાન પર ભેખડ ધસી પડતા ગાંધવી ગામના યુવાનનું કરુણ મૃત્યુ

      કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા રામભાઈ લાખણશીભાઈ કારાવદરા નામના 30 વર્ષના યુવાન શનિવારે ગાંધવી ગામે આવેલા રાતુ તળાવમાં માટી મોરમ ભરવા ગયા હતા. ત્યારે તેમના ટ્રેક્ટર પર મોટી ભેખડ ધસી પડતા આ ભેખડ હેઠળ દબાઈ જવાના કારણે તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ભરતભાઈ ભીમાભાઈ કારાવદરાએ સ્થાનિક પોલીસને કરી છે.

_____________________________________________________________________________

બેટ દ્વારકામાં યાત્રાળુઓ સાથેની રીક્ષા પલટી: મુસાફરો ઈજાગ્રસ્ત

        ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા હનુમાનદાંડી રોડ પર જી.જે. 32 જી.યુ. 0515 નંબરની એક રીક્ષા ભાડે રાખીને હનુમાન દાંડી મંદિરે દર્શન કરીને પરત આવી રહેલા તુષારભાઈ અનિલભાઈ પ્રભુણે (ઉ.વ. 49, રહે. સેટેલાઈટ રોડ, અમદાવાદ) તથા તેમના પરિવારજનોની આ રીક્ષા સાથે પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ક્યુ 9514 નંબરના એક મોટરસાયકલના ચાલકે સામેથી ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે રીક્ષા પલટી ખાઈ જવા પામી હતી.

        આ અકસ્માતમાં તુષારભાઈ, તેમની દીકરી અંતરા અને સ્વરા વિગેરેને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માત સર્જીને મોટરસાયકલ ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ અંગે બેટ દ્વારકા પોલીસે મોટરસાયકલ ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

_____________________________________________________________________________

દ્વારકામાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો વિપ્ર યુવાન ઝડપાયો

      દ્વારકામાં તીનબત્તી ચોક વિસ્તારમાં રહેતા કુંજ હિતેશભાઈ વાયડા નામના 25 વર્ષના બ્રાહ્મણ યુવાનને પોલીસે રાજસ્થાન અને ગુજરાતની ટીમ પર રમાઈ રહેલા ક્રિકેટ મેચને મોબાઈલ ફોનમાં લાઈવ નિહાળી ઓનલાઈન સટ્ટો રમતા ઝડપી લીધો હતો. પોલીસે આઈ-ફોન સહિત કુલ રૂ. 30,350 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

_____________________________________________________________________________

ઓખામાં બે જુગારીઓ ઝડપાયા

       ઓખામાં બોક્સાઈટ વિસ્તારમાંથી પોલીસે અમર જુનશભાઈ ભાયા અને મહેશ લાલજીભાઈ ચાવડા નામના બે શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા ઝડપી લઈ, મુદ્દામાલ કબજે કર્યો હતો.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૬

Show quoted text


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *