Headlines

ખંભાળિયા નજીક એરફોર્સ વિસ્તાર નજીકથી રૂપિયા 15 લાખની કિંમતના લોખંડના સળિયાની ચોરી


જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૬

       ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે 4 કિલોમીટર દૂર એરફોર્સની જમીન વિસ્તારમાંથી થોડા દિવસો પૂર્વે જુદી-જુદી સાઈઝના લોખંડના સળિયાની ચોરી થયાનું ખુલવા પામ્યું હતું.

       આ અંગે રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લાના મૂળ વતની અને હાલ અહીં એક ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સંજીબકુમાર સુધાકર મંડલ (ઉ.વ. 54) એ અહીંના પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે એરફોર્સની બાયડી વાળી જમીનમાંથી કોઈ તસ્કરોએ શ્રી ગુરમુખદાસ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડની સાઈટમાં પ્રવેશ કરી, અહીં રાખવામાં આવેલા જુદી જુદી સાઈઝના અને વજનના કુલ 25,000 કિલોગ્રામ જેટલા લોખંડના સળિયા ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. આશરે રૂપિયા 15 લાખ જેટલી કિંમતના આ લોખંડના સળિયાની ચોરી કરવા સબબ ખંભાળિયા પોલીસે તસ્કરો સામે ગુનો નોંધી, અહીંના પી.આઈ. સી.આર. રાણા તથા સ્ટાફ દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

_____________________________________________________________________________

પત્નીના ઘરકાંકાસથી કંટાળેલા ભાટિયાના વિપ્ર યુવાને ઝેરી દવા પીધી

     કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા દિલીપભાઈ પરબતભાઈ ઓડીચ નામના 24 વર્ષના બ્રાહ્મણ યુવાનને તેમના પત્ની સાથે અવારનવાર બોલાચાલી થતી હતી. આટલું જ નહીં, દિલીપભાઈના ભાઈ તથા ભાભી સાથે પણ તેમના પત્નીને નાની-નાની વાતમાં બોલાચાલી તેમજ રકઝક થતી હતી. આ બાબતથી કંટાળેલા દિલીપભાઈ ઓડીચને મનમાં લાગી આવતા તેમણે પોતાના હાથે પશુઓમાં જીવાત મારવાની ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે અંગે કલ્યાણપુર પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *