– દારૂની 146 બોટલ સાથે ત્રણ ઝડપાયા: રૂ. 16.37 લાખનો મુદ્દામાલ કબજે-
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૬-૨૦૨૬
કલ્યાણપુર પંથકમાં સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફના નારણભાઈ દેથરીયા અને નિલેશભાઈ ગોજીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર ગામેથી રાવલ તરફ જઈ રહેલી સફેદ કલરની એક થાર મોટરકારને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા આ મોટરકારમાંથી વિદેશી દારૂની 54 મોટી બોટલ તથા 192 નાની બોટલ મળી આવી હતી.
આથી પોલીસે કુલ રૂપિયા 107,400 ની કિંમતના પરપ્રાંતિય શરાબ તથા રૂપિયા 15 લાખની કિંમતની મહિન્દ્રા થાર મોટરકાર અને રૂ. 30,000 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 16,37,400 ના મુદ્દામાલ સાથે બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ (ઉ.વ. 26, રહે. ઓદરકા, તા. ઘોઘા, ભાવનગર) તથા દીપક છગનભાઈ ગોહેલ (ઉ.વ. 26, રહે. આંબાવાડી, મોટી ખાવડી, જામનગર) અને દિવ્યરાજસિંહ ઘનશ્યામસિંહ પરમાર (ઉ.વ. 27, રહે. શાંતિનગર – 7, જામનગર) નામના ત્રણ શખ્સોની અટકાયત કરી, પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
પોલીસ તપાસમાં આરોપી બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ સામે અલંગ અને ઘોઘા પોલીસ મથકમાં કુલ છ ગુના તથા દિપક ગોહેલ સામે મેઘપર પોલીસ મથકમાં અને દિવ્યરાજસિંહ પરમાર સામે જામનગર સીટી બી ડિવિઝનમાં એક-એક ગુના નોંધાયા હોવાનું જાહેર થયું છે.
આ સમગ્ર કાર્યવાહી કલ્યાણપુરના પી.આઈ. આર.એન. હાથલિયા, હેડ કોન્સ્ટેબલ નારણભાઈ દેથરીયા, નિલેશભાઈ રાજશીભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
