Headlines

ખંભાળિયાની જીવદયા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને સેવા બદલ વધુ એવોર્ડ એનાયત


જામ ખંભાળિયા, તા. ૧૦-૦૬-૨૦૨૬

     ખંભાળિયાની જાણીતી જીવદયા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને તેના નિઃસ્વાર્થ સેવાકીય કાર્યો બદલ વધુ એક ગૌરવપૂર્ણ સન્માન પ્રાપ્ત થયું છે. આણંદ ખાતે આત્માબલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જી. ફેમ એવોર્ડ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સેવાકીય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

     આ કાર્યક્રમમાં લોકસભાના સંસદ સભ્ય મિતેષભાઈ પટેલ સહિત ભાજપના અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિમાં એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ખંભાળિયા તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી અબોલ પશુ-પક્ષીઓની નિઃશુલ્ક સારવાર, રેસ્ક્યુ કામગીરી અને જીવદયા ક્ષેત્રે કરવામાં આવતી સેવાઓને ધ્યાનમાં રાખી સંસ્થાની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

       એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ વતી સંસ્થાના સભ્ય હરીશભાઈ રાજ્યગુરુએ એવોર્ડ સ્વીકાર્યો હતો. તેમણે ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, રેસ્ક્યુ કામગીરી તેમજ અબોલ જીવોના કલ્યાણ માટે કરવામાં આવતી કામગીરી અંગે માહિતી આપી હતી.

      આ સન્માન સમગ્ર સંસ્થાના કાર્યકરો, સ્વયંસેવકો અને શુભેચ્છકોની નિષ્ઠા, સમર્પણ અને અબોલ જીવ પ્રત્યેની સેવાની ભાવનાનું પ્રતિબિંબ છે. આ એવોર્ડથી સંસ્થાના કાર્યકરોને વધુ ઉત્સાહ અને પ્રેરણા મળી હોવાનું સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *