Headlines

પોરબંદરમાં મહેર શક્તિ સેના દ્વારા સરહદ પર ફરજ બજાવતા જવાનો માટે રાખડીઓ મોકલાઈ


ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક સમાન રાખડીઓ સરહદો પર મોકલીને સૈનિકોના દીર્ઘાયુની કામના કરાઈ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

પોરબંદર સ્થિત સામાજિક કાર્યરત સંસ્થા મહેર શક્તિ સેના દ્વારા આજરોજ દર વર્ષની જેમ સંસ્થાના સક્રિય કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓ દેશની વિવિધ સરહદો પર મોકલવામાં આવી છે. ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એવી આ રાખડીઓ દેશની સીમા સુરક્ષિત કરતા ફૌજી ભાઈઓની રક્ષા અને તેમની લાંબી ઉંમરની સલામતી માટે આદ્યશક્તિને પ્રાર્થના સાથે બહેનોના આશીર્વાદ રૂપે મોકલવામાં આવે છે તેવી આસ્થા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કરશન ઓડેદરા કે જેઓ પોતે પણ નિવૃત ફૌજી છે, તેમના દ્વારા ફૌજી ભાઈઓને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે ફૌજી સરહદની રક્ષા માટે રાત-દિવસ જાગે છે ત્યારે દેશવાસીઓ આરામની જિંદગી જીવી શકે છે. પરમાત્મા દેશના આ બહાદુર જવાનોને સ્વસ્થ રાખે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી.

આ તકે સંસ્થાના મહિલા ઉપપ્રમુખ મંજુલાબેન બાપોદરા દ્વારા પણ ફૌજી ભાઈઓને આશીર્વાદ સાથે શુભકામના પાઠવતા જણાવવામાં આવ્યું કે રાખડીમાં રહેલા સૂતરના તારમાં દેશની પ્રત્યેક બહેનોની શુભેચ્છા અને આશીર્વાદના અતૂટ બંધનો બંધાયેલા હોય છે. ફૌજી ભાઈઓને અને તેમના પરિવારને પરમાત્મા કાયમ સ્વસ્થ રાખે તેમજ દેશનો પ્રત્યેક નાગરિક આ પહેરેદારોનો રુણી છે, જે પોતાની જિંદગીની પરવા કર્યા વગર પરિવારથી દૂર વિકટ પરિસ્થિતિ અને કપરા વાતાવરણની વચ્ચે પણ સુરક્ષા માટે અડીખમ ઊભા છે. આવા ફૌજી ભાઈઓ અને તેમના પરિવારને પરમાત્મા સુખ, સમૃદ્ધિ તથા તંદુરસ્ત સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના કરાઈ હતી.

આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ કરશન ઓડેદરા, ઉપપ્રમુખ પરબતભાઇ કડેગીયા, મહિલા ઉપપ્રમુખ મંજુલાબેન બાપોદરા, સમાધાન સમિતિ અધ્યક્ષ નૌઘણભાઈ મોઢવાડીયા, પોરબંદર જિલ્લા પ્રમુખ માલદેભાઈ ઓડેદરા, મહિલા મહામંત્રી મંજુબેન મોઢવાડીયા, પોરબંદર તાલુકા પ્રમુખ દેવાભાઈ કડછા, કુતિયાણા તાલુકા પ્રમુખ વિજય ઓડેદરા, કારોબારી સભ્ય વેજાભાઈ ઓડેદરા, કારોબારી સભ્ય અભુભાઈ રાતિયા, કારોબારી સભ્ય લખુભાઈ કેશવાલા, કારોબારી સભ્ય રામભાઇ ઓડેદરા, કારોબારી સભ્ય લખનભાઇ કારાવદરા અને સભ્ય વાલીબેન ભુતીયા સહિતના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *