Headlines

ઘરમાં મનોરંજન માટે પત્તા રમવા એ જુગારધારા હેઠળ ગુનો નથી: ગુજરાત હાઈકોર્ટ: ખાનગી એપાર્ટમેન્ટમાં મિત્રોના મનોરંજન માટે રમાતી રમત સામેના કેસ રદ કરવાનો મહત્વનો આદેશ


ધ ગ્રેટ વર્લ્ડ – અમદાવાદ
અમદાવાદ ખાતે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે જો મિત્રો કે પરિચિતો પોતાના ઘરે નફા કે કમાણીના હેતુ વિના માત્ર મનોરંજન માટે પત્તા રમતા હોય, તો તેને જુગારધારાની કલમ ૪ અને ૫ હેઠળ ગુનો ગણી શકાય નહીં. ન્યાયાધીશ પી. એમ. રાવલની અધ્યક્ષતામાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. આ કેસની વિગત મુજબ, ૨૦૨૧માં આનંદનગર પોલીસ સ્ટેશન દ્વારા શાલીગ્રામ-૨ ના એક ફ્લેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને પત્તા રમતા પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કાર્યવાહીને પડકારતી અરજી જોયલભાઈ નીલેશભાઈ શાહ તથા અન્ય દ્વારા દાખલ કરવામાં આવી હતી.
અરજદાર તરફે વરિષ્ઠ વકીલ તેજસ બારોટ અને ધવલ બારોટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પોલીસ ફરિયાદમાં જુગારધારા હેઠળના ગુનાના પ્રાથમિક તત્વોનો અભાવ છે. અરજદારો જે ફ્લેટમાં હતા તે કોઈ કોમન ગેમિંગ હાઉસ એટલે કે જુગારધામ નહોતું. ફરિયાદ કે ચાર્જશીટના કાગળોમાં ક્યાંય પણ એવા પુરાવા મળતા નથી કે ઘરનો માલિક આ રમત દ્વારા કોઈ પ્રકારનો આર્થિક લાભ કે ભાડું મેળવતો હતો. કાયદા મુજબ ગેમિંગ હાઉસની વ્યાખ્યામાં નફા કે કમાણીનો ઘટક હોવો અનિવાર્ય છે. વળી, પોલીસે દરોડા પાડવા માટે જે સ્પેશિયલ વોરંટ મેળવ્યું હતું, તે પણ યોગ્ય તપાસ વિના જારી કરવામાં આવ્યું હતું. માત્ર ૨૩ મિનિટમાં દરોડો પાડવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે સક્ષમ સત્તાધિકારીએ સ્થળ જુગારધામ હોવા અંગેની કોઈ પૂર્વ તપાસ કરી નહોતી.
આ તરફ સરકારી વકીલ કે. એમ. અંતણીએ દલીલ કરી હતી કે સ્થળ પરથી પત્તા અને અલગ-અલગ રંગના સિક્કા મળ્યા હોવાથી આ કામગીરી જુગારની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. જોકે, અદાલતે આ દલીલોને ફગાવી દેતા જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિના ઘરે પત્તા અને રોકડ રકમ મળવાથી તે આપમેળે કોમન ગેમિંગ હાઉસ સાબિત થતું નથી. ન્યાયાધીશ પી. એમ. રાવલે અવલોકન કર્યું હતું કે ફરિયાદમાં ક્યાંય પણ જુગારખાનાનો ઉલ્લેખ નથી અને તે માત્ર એક ખાનગી એપાર્ટમેન્ટમાં રમાતી રમત હતી. પોલીસે કાયદાની મર્યાદા ઓળંગીને કામગીરી કરી હોય તેવું જણાય છે, જે અરજદારો માટે અત્યાચાર સમાન છે. આથી, હાઈકોર્ટે કાયદાકીય તત્વોના અભાવે આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અને તે અંગેની તમામ કાર્યવાહી જોયલભાઈ નીલેશભાઈ શાહ તથા અન્ય અરજદારો માટે રદ કરી છે. આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે મનોરંજન માટે રમાતી નિર્દોષ રમતોને ગુનાહિત દ્રષ્ટિએ જોઈ શકાય નહીં. આ કેસમાં પોલીસ કોન્સ્ટેબલ કમલેશકુમાર સોમાભાઈ, હરપાલસિંહ પ્રભાતસિંહ, મહેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ અને ડ્રાઈવર મુકેશભાઈ મગનભાઈ વગેરે દરોડાની કામગીરીમાં સામેલ હતા.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *