Friday June 20, 2025

સંજય-સપના બંટી-બબલી : પોરબંદરમાં એક દંપતી જલારામ ક્રેડિટ સોસાયટી બનાવીને થાપણદારોનો કરોડોનો મુંડો કરી ગયું

એફઆઇઆર માં દર્શાવાયેલ રૂ 70.73 લાખ તો એક જ પરિવારના છે બાકી સંજય-સપના અને તેના મળતીયાઓએ ખાધેલી મલાઈનો આંકડો મોટો હોવાનું કહેવાય છે

સંજય અને સપનાના પુત્ર મનને રોકાણકારોને પૈસા અપાવી દઈશું અપાવી દઈશું એમ કહીને થાપણદારોને લાંબા સમય સુધી ઉલ્લુ બનાવ્યા

સંજય-સપના-મનનની ત્રિપુટી ઉપરાંત તપાસમાં ખુલે તે તમામને આરોપી ગણાવીને થાપણદારો વતી જયેશ વરવાડીયાએ કમલાબાગ પોલીસમાં એફઆઇઆર કરાવી

પોરબંદર

પોરબંદરમાં જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી બનાવી તેમાં સાડા છસો જેટલા થાપણદારો અને સભાસદોને ફસાવીને રાષ્ટ્રીયકૃત બેંક તથા અન્ય સંસ્થાઓ કરતા પણ વધારે ફિક્સ ડિપોઝિટ તથા દૈનિક બચતની રકમ ઉપર ઊંચા દરે વ્યાજ અપાવવાની લાલચો આપી થાપણદારો અને સભાસદોને રૂ 71 લાખના શીશામાં ઉતારીને બુચ મારી દેનાર પોરબંદરના સંજય અને તેની પત્ની સપના તથા તેના મળતીયા મનન વગેરે વગેરે વગેરે વગેરે સામે કમલાબાદ પોલીસમાં એફઆઇઆર થઈ છે. પોરબંદર ડીવાયએસપી ઋતુ રાબાને આરોપીઓની તલાશ છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે જયેશભાઈ દેવશીભાઈ વરવાડીયા, (જાતે-નવીના ખારવા, ઉ.વ.૪૮, ધંધો- વેપાર રહે. પંચાયત ચોકી પાસે. એસ.બી.એસ.બેંક કોલોની છાંયા પોરબંદર)એ (૧) સંજયભાઈ વિનોદરાય દાવડા (૨) સપનાબેન સંજયભાઈ દાવડા (3) મનન સંજયભાઈ દાવડા (રહે. તમામ કડીયા પ્લોટ પોરબંદર) તથા તપાસમાં ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર આરોપીઓએ અગાઉથી જ પુર્વ આયોજીત કાવતરૂ રચી પોરબંદર જલારામ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી.લી. નામની સહકારી મંડળીના આશરે સાડા છસો જેટલા થાપણદારો તથા સભાસદો બનાવી તેઓને રાષ્ટ્રીયકૃત બેંક તથા અન્ય સંસ્થાઓ કરતાં ફીકસ ડીપોઝીટ તથા દૈનીક બચતની રકમ ઉપર ઉંચા દરે વ્યાજ આપવાની લોભામણી લાલચો આપી, થાપણદારો તથા સભાસદો પાસેથી ડીપોઝીટ તથા દૈનિક બચત તરીકે માતબર રકમ મેળવી લઈ, રકમ મેળવ્યા અંગે સીકયુરીટી તરીકે રસીદ/ચેક આપી તથા દૈનિક બચતદારોને પાસબુક ઇસ્યુ કરી પાસબુકમાં રકમ ઉધારી, દૈનીક બચતદારો પાસેથી બચત તરીકેની રકમ મેળવી લઈ, આ રકમ જલારામ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.ના યુનિયન બેંક ઓફ ઈન્ડીયા પોરબંદરના બેંક ખાતામાં જમા કરાવી પાછળથી આરોપી સંજય અને સપના મંડળીના મેજેનર તથા ડાયરેકટરના હોદ્દાની રૂએ પોતાની સહીઓ કરી બેંક ખાતામાંથી તમામ રકમ ઉપાડી લઈ, થાપણદારો તથા સભાસદો તથા દૈનિક બચત ખાતા ધારકો પાસેથી મેળવેલ રકમ પરત નહી આપી, આરોપી મનને આરોપી સંજયે લીધેલ રકમ પરત અપાવી દેવાનો અવાર-નવાર વિશ્વાસ અપાવી, ફરીયાદી પાસેથી તેના પોતાના તથા પરીવારના સભ્યોના એમ કુલ રૂા.૭૦,૭૩,૩૦૦/-તથા જલારામ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.પોરબંદરના આશરે સાડા છસો જેટલા થાપણદારો પાસેથી તપાસમાં ખુલે તેટલી રકમનું રોકાણ કરાવી, રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ ઉચાપત કરી, મંડળીના મેનેજર તથા ડાયરેકટરના હોદ્દાની રૂએ ગુન્હાહિત વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી આરોપીઓએ રચેલ પુર્વ આયોજીત કાવતરા મુજબ ગુન્હામાં એક બીજાને મદદગારી કરી હતી. તા.૧/૧/૨૦૧૫થી તા.૪/૧૦/૨૦૨૪ સુધીમાં પોરબંદર વાડી પ્લોટ શાક માર્કેટ શોપ નં.૧૦ ખાતે આવેલ શ્રી જલારામ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.ની ઓફીસે બનેલી આ ઘટના અંગે કમલાબાગ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૫),૩૧૮(૪),૬૧(૨ ) તથા ગુજરાત પ્રોટેકશન ઈન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ એકટની કલમ ૩ તથા ધી બેનીંગ ઓફ અન રેગ્યુલેટેડ ડીપોઝીટ સ્કીમ એકટ-૨૦૧૯ ની કલમ-૨૧,૨૩ મુજબ ગુનો દાખલ થતા પોરબંદર શહેર ડીવાયએસપી ઋતુ અમરસિંહ રાબાએ તપાસ હાથ ધરી છે.


ક્રીમન બ્યુટી પાર્લરમાં કૌભાંડની ક્રીમ લગાડાતી હતી

સપના તેના પતિ સાથે મળીને ક્રિમન બ્યુટી પાર્લરમાં જ મોટાભાગે આ બધું વહીવટ કરતી હતી. ગઈકાલે પોલીસ એક ચોક્કસ બંદોબસ્ત સાથે અને અમુક જાતની તૈયારી સાથે સપનાના બ્યુટી પાર્લરમાં ગઈ હતી અને ત્યાંથી આ ગોરખ ધંધાનું વિવિધ પ્રકારનું સાહિત્ય કબજે લીધું હતું. સંજય અને સપના ગામને ઉઠાં ભણાવી રહ્યા હતા પરંતુ સાથોસાથ હાલ વિદ્યાર્થી અવસ્થામાં રહેલા તેમના પુત્ર મનનને પણ સંજય અને સપના આવું ગોરખધંધાનું શિક્ષણ આપી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. કારણ કે મનને જ અનેક રોકાણકારોને પૈસા અપાવી દઈશું અપાવી દઈશું તેમ કહીને લાંબા સમય સુધી એફઆઇઆરના પંથે જતા અટકાવ્યા હતા.


રોકાણકારો સાથે થયેલી તોછડાઈના કારણે આખું કૌભાંડ બહાર આવ્યું

પોરબંદરમાં સંજય સપના અને તેના પુત્ર મનનના કૌભાંડનો ભોગ બનેલા લોકો છેલ્લે છેલ્લે ત્રાસીને ગમે તેમ કરીને પોતાના પૈસા પાછા મેળવી લેવાના મૂડમાં હતા અને તેના માટે લોકો પાસે પૂરતી ધીરજ પણ હતી. કેટલાક લોકો તો એમ પણ કહી રહ્યા હતા કે ક્રેડિટ સોસાયટી પાસે પૈસા ન હોય તો તેનું વ્યાજ આપવાની બદલે અમારા મુદ્દલમાંથી થોડા થોડા ઓછા કરીને પણ અમને અમારા પૈસા ગમે તેમ કરીને પાછા આપો. આવી બધી માંગણીઓ કરવા માટે કેટલાક રોકાણકારો અથવા તો થાપણદારો સંજય અને સપનાના ક્રીમન બ્યુટી પાર્લર તથા અન્ય સ્થાનો પર ગયા હતા અને તેમની સમક્ષ એક સાથે પોતાની માગણીઓ રજૂ કરી હતી પરંતુ આ રીતે રજૂઆત કરવા માટે પોતાની પાસે આવવા બદલ તેમને ખખડાવવામાં આવ્યા હતા અને કહેવાયું હતું કે તમારાથી અહીં અમારી પાસે હોય જ કેમ? લોકોને પ્રશ્ન થયો હતો કે તો પછી ક્યાં જવું? આખરે લોકો પોલીસ પાસે ગયા અને સંજય સપના એન્ડ મનન કંપનીનો જલારામ નું નામ વાપરીને ચાલતો કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top