Saturday June 21, 2025

ભીમરાણા ઓવરબ્રિજ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫

      દ્વારકા તાલુકાના મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ગામે રહેતા ઈરફાનભાઈ મુસાભાઈ વારાણી નામના 32 વર્ષના મુસ્લિમ મીર યુવાન મંગળવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે તેમના જી.જે. 37 વી. 9092 નંબરના ટ્રકને લઈને જઈ રહ્યા હતા. ત્યારે ભીમરાણા ગામના ઓવરબ્રિજ પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા અન્ય એક ટ્રક નંબર જી.જે. 10 ઝેડ 9201 ના ચાલકે ઈરફાનભાઈના ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

        આ બંને ટ્રક વચ્ચે મોરે-મોરા સર્જાયેલા અકસ્માતમાં ઈરફાનભાઈ વારાણીને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ તથા લોહી લોહાણ હાલતમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ટ્રકમાં જઈ રહેલા ચાલકને પણ ઈજાઓ થવા પામી હતી. બે ટ્રક વચ્ચેની આ ટક્કરમાં ટ્રકના મોરાના ભાગનો બુકડો બોલી ગયો હતો. 

        આ સમગ્ર બનાવ અંગે દ્વારકામાં ચરકલા રોડ પર રહેતા રજાકભાઈ કાસમભાઈ વારાણી (ઉ.વ. 27) દ્વારા પોતાના ભત્રીજાનું મૃત્યુ નીપજાવવા સબબ આરોપી ટ્રક ચાલક સામે મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે બી.એન.એસ. તેમજ એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ મીઠાપુરના પી.આઈ. તુષાર પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top