Thursday August 07, 2025

દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોને નોટિસ અપાતા કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

અનેક ધાર્મિક સ્થળો આઝાદી પહેલાના છે – 

કેટલાક ધાર્મિક સ્થળોમાં સરકારે પોતે ગ્રાન્ટ વાપરી છે: પાલભાઈ – 

– શહેરોમાં કિંમતી જમીન પરના દબાણ દૂર કરવાથી શરૂઆત કરવા માંગ –

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫

       દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં આશરે 200 જેટલા ધર્મ સ્થળો ને કથિત રીતે ગેરકાયદેસર દબાણ ગણાવી, તંત્ર દ્વારા નોટિસ અંગેની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે આ મુદ્દે કિસાન નેતા આંબલીયા દ્વારા મુખ્યમંત્રીને એક લેખિત પત્ર પાઠવી વિવિધ મુદ્દે સવિસ્તૃત રજૂઆતો કરાઈ છે. 

        દ્વારકા જિલ્લામાં જે જે ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરવાની નોટિસો આપવામાં આવી છે, તે પૈકી કેટલાય ધાર્મિક સ્થળો આઝાદી પહેલાના છે. કેટલાય સ્થળો પર રોજના હજારો લોકો આવે છે. ત્યારે સરકારને એવી તે શું જરૂરિયાત ઉભી થઇ કે શહેરોમાં હજારો ચોરસ મીટર સરકાર જમીન દબાવીને બેઠેલા મોટા માથાઓએ કરેલા આ દબાણ દૂર કરવાને બદલે ગામડાંઓમાં અંતરિયાળ જગ્યાએ આવેલા મંદિરોમાં દબાણ દેખાઈ આવ્યું ને એ દૂર કરવાની નોટિસ આપી દીધી ?

       જ્યારે દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રએ ધાર્મિક સ્થળો દૂર કરવા માટે નોટિસ આપી છે ત્યારે સરકારને કેટલાક વેધક સવાલો પાલભાઈ આંબલીયા દ્વારા આ પત્રમાં કરવામાં આવ્યા છે. આ ધાર્મિક સ્થળો વર્ષોથી ત્યાંના ત્યાં જ છે એ આજકાલમાં સરકારી ખરાબાઓ કે ગૌચરની જમીન પચાવી પાડવાના બદ ઈરાદા સાથે બનાવેલ ધાર્મિક સ્થળ નથી તો સરકાર અચાનક આ ધાર્મિક સ્થળો તોડવા માટે ઉત્સુક કેમ છે ? આ ધાર્મિક સ્થળો લોકોની આસ્થા છે રોજ લોકો ત્યાં માથું ટેકવે છે સાથે મળીને રંગે ચંગે ધાર્મિક તહેવાર ઉજવે છે તો સરકારશ્રીને કોમી એખલાસના પ્રતીક સમાન આ ધાર્મિક સ્થળોને દૂર કરાવી સૌહાર્દપૂર્ણ વાતાવરણને ડહોળવાની શું જરૂરિયાત ઉભી થઇ ? આ ધાર્મિક સ્થળો પૈકી મોટાભાગના ધાર્મિક સ્થળોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, પ્રમુખો, નગરપાલિકાના સદસ્યો, પ્રમુખો, ધારાસભ્યો, વિગેરેએ ભૂતકાળમાં ગ્રાન્ટની ફાળવણી કરી છે ને વહીવટી તંત્રએ ત્યાં એ ગ્રાન્ટ વાપરી કોઈને કોઈ ધાર્મિક સ્થળના કોઈ એક ભાગ આ ગ્રાન્ટથી બનેલો છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જે-તે સમયે આ જ ધાર્મિક સ્થળમાં ગ્રાન્ટ વાપરી છે તો શું દબાણ વાળી જગ્યાએ બનેલા ધાર્મિક સ્થળની પુરી ચકાસણી કર્યા વગર જ ગ્રાન્ટ વાપરવામાં આવી હતી ? જ્યારે આ ધાર્મિક સ્થળોમાં ગ્રાન્ટ વાપરવામાં આવી ત્યારે તેમની કાયદેસરતા કેમ ચકાસવામાં ન આવી ? આ ધાર્મિક સ્થળોની માવજત, મરામત કે તેમના વિકાસમાં સરકાર પોતે રૂપિયા વાપરે તેને ગેરકાયદેસર કેવી રીતે કહેવાય ? તેવા સવાલો તેમના દ્વારા કરાયો છે.

        ચાલુ વર્ષે દ્વારકા જિલ્લામાં જ સરકારની અંદાજિત રૂપિયા 20 કરોડની ગ્રાન્ટની ફાળવણી એવા ધાર્મિક સ્થળોમાં કરવામાં આવી છે કે જે સરકારી ખરાબાઓ કે ગૌચરની જમીન પર ઉભા છે ને ત્યાં પણ ગ્રાન્ટ વપરાઇ રહી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે સરકાર એક તરફ આ ધાર્મિક સ્થળોમાં ગ્રાન્ટ વાપરી પ્રોત્સાહન આપે છે. અને બીજી બાજુ એ જ ધાર્મિક સ્થળોને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડવા માટે નોટિસો આપવામાં આવે છે. નામદાર સુપ્રીમ કોર્ટનો હવાલો આપીને ધાર્મિક સ્થળોને દબાણ દૂર કરવાની નોટિસમાં આપવામાં આવી છે. ત્યારે જેમ શહેરોમાં સરકારની ખૂબ કિંમતી જમીનોમાં કહેવાતા આગેવાનોએ પોતાના વ્યક્તિગત લાભ માટે કબ્જો કરી, મોટા મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઉભા કરી દીધા બાદ તેમને કાયદેસર કરવા માટે “ઇમ્પેક્ટ ફી” નો કાયદો સરકાર જ લાવી હતી તો એવી જ રીતે આ લાખો લોકોના આસ્થા, સૌહાર્દ, ભાઈચારા, કોમી એખલાસના પ્રતિક સમાન ધાર્મિક સ્થળો માટે પણ સરકાર કાયદો બનાવી જ શકે છે. ત્યારે સવાલ એ છે કે સરકાર આવો કાયદો લાવવાની જગ્યાએ ધાર્મિક સ્થળોને તોડી પાડવા માટે તલપાપડ કેમ થઈ રહી છે ? તેવા વેધક સવાલો કરાયા છે.

      નામદાર ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના કેટલાય આદેશો આજે પણ પેન્ડીંગ છે. તો ધાર્મિક સ્થળો હટાવવાના આદેશનો અમલ કરતા પહેલા નામદાર ગુજરાત હાઈકોર્ટ ને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા થયેલા અને પેન્ડિંગ હોય તેવા તમામ આદેશોનો અમલ કરી બતાવે તેવી ચેલેન્જ પાલભાઈ આંબલીયાએ આપી છે.

      સરકારી જગ્યા કે ગૌચરની એકપણ જગ્યાએ ગેરકાયદેસર દબાણ ન હોવું જોઈએ તો સરકારે દ્વારકા નજીકની એક ખાનગી કંપનીએ જે રાજાશાહી સમયના એક ગામથી બીજા ગામને જોડતો રાજમાર્ગ બંધ કરી દીધો છે, તેને ધાર્મીક સ્થળોને તોડતા પહેલા તાત્કાલિક ખુલ્લો કરાવવો જોઈએ. દ્વારકા જિલ્લામાં વિન્ડફાર્મ કંપનીઓને આપેલી જગ્યાના બદલે અન્ય સરકારી જગ્યાએ વિન્ડપોલ ઉભા કરી સરકારી જગ્યા પર કથિત રીતે દબાણ કરી લીધું છે. તેવી જ રીતે સરકારના વર્તમાન નિયમોનુસાર કોઈપણ વિન્ડપોલ નેશનલ હાઇવે, રાજ્ય ધોરીમાર્ગથી લઈ ગ્રામ માર્ગોથી એક યોગ્ય અંતરે હોવા જોઈએ જે નિયમનું પાલન કર્યા વગર વિન્ડપોલ ઉભા કરી દેવામાં આવ્યા છે. તો ધાર્મિક સ્થળોને હટાવતા પહેલા આ વિન્ડપોલને હટાવવાની હિંમત આ સરકારમાં છે ખરી ? તેવો સવાલ પણ ઉઠાવ્યો છે.

         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે જે ધાર્મિક સ્થળોને દબાણ દૂર કરવાની નોટિસો આપી લોકોની આસ્થા સાથે રમત કરવામાં આવી છે, ત્યારે તે નોટિસ દિવસ 10 માં પરત લેવામાં આવે અને આ ધાર્મિક સ્થળોને કાયદો બનાવી ત્યાં રોકાયેલ જગ્યાને એકપણ રૂપિયો વસુલ કર્યા વગર કાયદેસર કરી આપવામાં તેવી અમારી લાગણી અને માંગણી તેમના દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top