
– –
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫
ખંભાળિયા નગરપાલિકાની આગામી જનરલ બોર્ડની બેઠક આવતીકાલે ગુરુવાર તા. 13 ના રોજ સવારે 11 વાગ્યે નગરપાલિકા કચેરીના સભાગૃહ ખાતે પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી છે.
આ બેઠકમાં આગામી વર્ષ 2025-26નું બજેટ મંજૂર કરવા, પાલિકાના બાકી વીજ બિલની રકમ ચૂકવવા, નગરપાલિકાના વિવિધ રોજમદાર કર્મચારીઓના સંતાનોને રહેમરાહે નિમણૂક કરવા, નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓને હક હિસ્સાની રકમ ચૂકવવા, શહેરમાં આવેલી ગેરકાયદેસર મિલકતોના કરવેરા અંગેનો વહીવટી ચાર્જ વસૂલ કરવા, જુદી જુદી શાખાઓમાં રોજમદાર કર્મચારીઓ બાબતે શ્રમ આયોગના ચુકાદા અંગે નિર્ણય કરવા, સફાઈ કામદારોની હડતાલના સમાધાન અંગેની મહામંડળની રજૂઆતો અંગે નિર્ણય કરવા, નગરપાલિકાની ભાડાપટ્ટે આવેલી દુકાનો-કેબીનોનું ભાડું વધારવા, પાલિકાની જૂની શાક માર્કેટમાં ગાલાઓમાં યુઝર ચાર્જ લેવા, પાલિકા દ્વારા લેવાતા વ્યવસાય વેરાનું વ્યાજ માફ કરવા, ભાડાપટ્ટે અપાયેલા પ્લોટ-દુકાનો- કેબીનોના એડવાન્સ ભાડા લેવા, નવું મિનિ ફાયર ફાઈટર ખરીદવા, માલિકીની જગ્યામાં નડતરરૂપ ડાળીઓ કાપવાનો ચાર્જ લેવા, ગેરકાયદેસર નળ જોડાણ રેગ્યુલર કરવા માટેનો ચાર્જ નક્કી કરવા, હાલના નળવેરામાં વધારો કરવા સહિતના જુદા જુદા 28 મુદ્દા એજન્ડામાં લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત ખંભાળિયા નગરપાલિકા હવે અ વર્ગમાં આવતા હવે નવું નગર સેવા સદન બનાવવા તેમજ ખંભાળિયા નગરપાલિકાને એ ગ્રેડનો દરજ્જો આપતા રાજ્ય સરકાર, કેબિનેટ મંત્રી અને સાંસદનો આભાર વ્યક્ત કરવા સહિતના જુદા જુદા મુદ્દાઓ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

(ફોટો:- કુંજન રાડિયા)