ભાવનગરના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત બે શખ્સની ધરપકડ

વિપુલ હિરાણી, ભાવનગર તા.૨
ભાવનગરમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂ.પાંચ લાખની માંગણી કરનાર મહિલા સહિત બે શખ્સની નિલમબાગ પોલીસે ધરપકડ કરી છે.આ કેસમાં ફરાર એની એક શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરમાં એક વેપારી પાસે અથાણાની ખરીદી કરવા આવેલી અંકિતા પટેલ નામની મહિલાએ અથાણું ખરીદ્યા બાદ વેપારીનો મોબાઈલ નંબર મેળવ્યો હતો અને વેપારીની સાથે મોબાઈલ ફોનમાં વાત કર્યા બાદ અવારનવાર ફોન કરીને વેપારીને હોટલમાં સાથે જમવા માટે બોલાવ્યા હતા.વેપારી હોટલમાં મહિલા સાથે ગયા બાદ હોટલમાં રૂમ ભાડે રાખીને બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલાએ તેનું અસલ રૂપ દેખાડ્યું હતું અને બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી વેપારી પાસે રોકડ રકમની માંગણી કરતા વેપારીએ પોતાની પાસે હતા તે રૂ.૧૦,૦૦૦/- મહિલાને આપ્યા હતા.ત્યાર બાદ મહિલાએ તેને પાણીની ટાંકી સુધી મૂકી જવાનું કહેતા વેપારી તેમના સ્કૂટર પર મહિલાને લઈને જતા હતા ત્યારે કાળુભા રોડથી સત્યનારાયણ રોડ પર ઉભેલા બે વ્યક્તિએ વેપારીનું સ્કૂટર અટકાવી બે પૈકી એક શખ્સ ભાર્ગવે મહિલાનો પતિ હોવાની ઓળખ આપી ‘તું મારી પત્નીને ક્યાં લઈ ગયો હતોં’ તેમ કહી બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી,જ્યારે તેની સાથેના શક્તિસિંહ નામના શખ્સે વેપારીને લાફો ઝીંકી દીધો હતો.ત્યાર બાદ ત્રણેય શખ્સ વેપારીને સેન્ટ્રલ સોલ્ટના પાછળના ભાગે લઈ ગયા હતા અને રૂ.૧૦ લાખની માંગણી કરી હતી,રકજકના અંતે વેપારી પાંચ લાખ આપવા સંમત થતા ત્રણેય વેપારીને સાથે લઈને તેમની દુકાન તરફ ગયા હતા.ભાર્ગવ અને અંકિતા શહેરના ઘોઘાગેટ ચોકમાં ઊભા રહ્યા હતા અને શક્તિસિંહને વેપારીની સાથે રૂપિયા લેવા તેની દુકાને મોકલ્યો હતો.વેપારીએ પૈસા આપવા થોડો સમય માગ્યા બાદ તેના મિત્ર અને પરિવારે હિંમત આપતા વેપારીએ અંકિતા પટેલ,ભાર્ગવ અને શક્તિસિંહ નામના શખ્સ વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા નિલમબાગ પોલીસે અંકિતા પટેલ અને ભાર્ગવની ધરપકડ કરી છે,જ્યારે અન્ય એક શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.આ બનાવે શહેર અને જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે.