જામ ખંભાળિયા, તા. ૨૪-૦૫-૨૦૨૬
રાજકોટથી દ્વારકા દર્શનાર્થે નીકળેલા બે મિત્રો પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઈક ચાલક યુવાનને ઝોકું આવી જતા સર્જાયેલા અકસ્માતમાં પાછળ બેઠેલા એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આ કરુણ બનાવને વિગત એવી છે કે રાજકોટના મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રહેતા ઉદયભાઈ કૈલાશભાઈ સોલંકી નામના યુવાની તેમના ભુણાવા (તા. ગોંડલ) ખાતે રહેતા મિત્ર પ્રતિકભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ (ઉ.વ. 23, મૂળ રહે. રોધડા, તા. કુતિયાણા) સાથે તેમના જી.જે. 03 એન.એસ 4794 નંબરના મોટરસાયકલ પર બેસીને ગત તારીખ 20 મે ના રોજ રાજકોટથી દ્વારકા દર્શન કરવા ગયા હતા. આ બંને મિત્રો દ્વારકા દર્શન કરી અને પરત રાજકોટ પરત ફરી રહ્યા હતા, ત્યારે કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર બામણાસા ગામના પાટીયા પાસે પહોંચતા મોટરસાયકલ ચાલક ઉદયભાઈ સોલંકીને એકાએક ઝોકું આવી જતા તેમનું મોટરસાયકલ રોડની એક બાજુ ઉતરી ગયું હતું. જેથી બંને મિત્રો બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા.
આ ગંભીર અકસ્માતમાં પ્રતિકભાઈને માથા તથા મોઢા અને છાતીના ભાગમાં ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બાઈક ચાલક ઉદયભાઈ સોલંકીને પણ નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ બનાવ અંગેની જાણ ઇજાગ્રસ્ત મોટરસાયકલ ચાલક ઉદયભાઈ સોલંકીએ કલ્યાણપુર પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
_____________________________________________________________________________
અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ચાચલાણાના યુવાનનું મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે રહેતા કાનાભાઈ મોહનભાઈ ગામી નામના 27 વર્ષના યુવાને ગત તારીખ 21 મીના રોજ ગાંગડી ગામની સીમમાં કોઈ અગમ્ય કારણોસર ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા મોહનભાઈ પોલાભાઈ ગામી (ઉ.વ. 50) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
_____________________________________________________________________________
ભાણવડ નજીક સ્કૂટરની ઈ-વ્હીકલ સાથે ટક્કર
ભાણવડમાં વ્યાયામ શાળાની બાજુમાં રહેતા સવજીભાઈ ત્રીકમભાઈ નકુમ નામના 84 વર્ષના સતવારા વૃદ્ધ ગત તારીખ 22 મીના રોજ ભાણવડ નજીકના ત્રણ પાટીયા પાસેથી તેમના ઈ-વ્હિકલમાં જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 એચ. 3535 નંબરના એક મોટરસાયકલના ચાલકે તેમની સાથે અકસ્માત સર્જતા તેમને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જે અંગે ભાણવડ પોલીસે મોટરસાયકલ સામે ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
