જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬
ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના દૂષિત પાણીના પ્રશ્નનું મહદ અંશે નિરાકરણ આવી ગયું છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં પાણીની બચત કરવા પાલિકા તંત્ર દ્વારા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
ખંભાળિયા નગરપાલિકા દ્વારા એક યાદી બહાર પાડીને જણાવાયું છે કે શહેરમાં પીળાશ પડતા પાણી અંગેના પ્રશ્નનું હાલ નિવારણ આવી ગયું છે. આ માટે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર, તેમજ વોટર વર્ક્સની ટીમ વિગેરે દ્વારા સંયુક્ત પ્રયાસો બાદ હવે શહેરમાં ચોખ્ખું પાણી વિતરણ કરવામાં આવે છે. આ સાથે હાલ શહેરના તમામ વિસ્તારોમાં ફિલ્ટર અને ક્લોરિનેશન કરેલું પાણી નિયમિત રીતે વિતરણ કરાય છે.
હાલની પરિસ્થિતિમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને બિનજરૂરી પાણીનો બગાડ ન કરવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
