– આપના પ્રદેશ પ્રમુખ સહિત 35 સામે રાયોટીંગ સહિતનો ગુનો: ભારે ચકચાર –
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬
ખંભાળિયામાં મંગળવારે બે વાહન અકસ્માત બાદ એક આરોપી દ્વારા માથાકૂટ કરીને બે યુવાનોને માર મારવા તેમજ સોનાના ચેનની લૂંટ ચલાવવા સબબ પરપ્રાંતિય શખ્સ સામે નોંધાયેલી ફરિયાદ બાદ ગઈકાલે બુધવારે આ આરોપી દ્વારા અગાઉના ફરિયાદી સામે ગુનો નોધવા બાબત સંદર્ભે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના કાર્યકરોએ ખંભાળિયા પોલીસ મથકમાં બઘડાટી બોલાવી, પોલીસ સામે અણછાજતું વર્તન કરવા સબબ રાયોટીંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં મંગળવારે સાંજે બે યુવાનો એક મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે સર્જાયેલા એક સામાન્ય અકસ્માત બાદ સામેથી આવી રહેલા એક એક્ટિવા પર જઈ રહેલા દીપક નામના એક શખ્સ દ્વારા ફરિયાદી તથા તેમની સાથે જઈ રહેલા બાઇક સવાર યુવાનને માર મારી, સોનાના ચેનની લૂંટ ચલાવા અંગેનો ગુનો નોંધાયો હતો.
આ બનાવના અનુસંધાને ગઈકાલે બુધવારે બપોરે ખંભાળિયા પોલીસ મથકમાં ખંભાળિયા તાલુકાના મૂળ વતની અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર, ખેરાજ કેશવ રૂડાચ સહિતના આશરે 30 થી 35 જેટલા શખ્સોએ ટોળા સ્વરૂપે ધસી જઈને પોલીસ સાથે કથિત રીતે ગેરવર્તન કર્યાનું ખુલવા પામ્યું છે.
અહીં ધસી આવેલા આ શખ્સો દ્વારા અગાઉના આરોપી દિપક કે જે બિહારનો મૂળ રહીશ હોય, તેના દ્વારા અગાઉના ગુનાના ફરિયાદી સામે લૂંટનો ગુનો દાખલ કરવા માટેની અરજી આપી હતી. જે ગુનો દાખલ કરવા આરોપીઓ દ્વારા ઉશ્કેરણીજનક રીતે દબાણ કરવામાં આવતા આવતું હોવાનું જાહેર થયું છે. આરોપીઓના ટોળાએ ખંભાળિયા પોલીસ મથકના પી.એસ.ઓ.ના ટેબલ ફરતે ઘેરાવ કરી અને અમુક લોકોએ મોબાઈલમાં ઓનલાઈન થઈને લાઈવ રેકોર્ડિંગ કર્યું હતું.
આ દરમિયાન ઈસુદાન ગઢવીએ કહેલ કે “પી.આઈ. જોશી ક્યાં છે?” બાદમાં અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીએ આવીને તેમની ચેમ્બરમાં રજૂઆત સાંભળવા માટે તેઓને બોલાવ્યા હતા. અહીં સાતેક જેટલા લોકોએ ફોનમાં લાઈવ રેકોર્ડિંગ કરતા ઇન્ચાર્જ પી.આઈ. જોશીએ કહ્યું હતું કે “તમે ઓનલાઈન લાઈવ રેકોર્ડિંગ બંધ કરો. અહીં અમારી ઓફિસમાં કેમેરા ચાલુ છે. તેમાં રેકોર્ડિંગ થાય છે. તમારે ફૂટેજની જરૂર હોય તો તમોને આપીશું”.
પરંતુ અહીં ધસી આવેલા શખ્સોએ ધક્કામુક્કી જેવું વાતાવરણ સર્જીને પોલીસનું મોરલ ડાઉન થાય તે રીતે દલીલો કરી, ખરાબ વર્તન કર્યું હતું. બહાર ઊભેલા ટોળાએ હોબાળો મચાવતા પોલીસ સ્ટાફ અહીં દોડી આવ્યો હતો. જ્યાં આરોપીઓએ પોલીસ સમક્ષ ખોટા આક્ષેપો કરી, વાહિયાત વાતો કરી હતી. લૂંટના ફરિયાદી વિરુદ્ધ લૂંટનો ગુનો દાખલ કરાવવાના ઈરાદાથી પોલીસ સ્ટેશનમાં ધસી આવેલા ટોળાએ પોલીસનું મોરલ ડાઉન થાય તેવું ખરાબ વર્તન કરી પોલીસને કામગીરીમાં અડચણ ઉભી કરી, મોબાઇલમાં ઓનલાઇન વિડીયો રેકોર્ડિંગ કરી અને ઉશ્કેરણીજનક અશોભનીય ભાષામાં ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આમ, આરોપીઓ દ્વારા ફરજમાં રૂકાવટ કરી અને આવા વિડીયોથી પોલીસ ખાતા પ્રત્યે ધિક્કાર અને દ્વેષની લાગણી ઉત્પન્ન થાય તે રીતે પોલીસની કામગીરી નિમ્ન કક્ષાની દર્શાવવાના ઈરાદાથી સોશિયલ મીડિયામાં મારફતે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોવાનું પણ જાહેર થયું છે.
આ રીતે 30 થી 35 જેટલા લોકોએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે ગેરકાયદેસર મંડળી રચીને એકત્રિત થઈ પોલીસ સ્ટેશનમાં આવીને વિવિધ આક્ષેપો કરી, ફરિયાદી વિરુદ્ધ ખોટી લૂંટની ફરિયાદ લીધેલ હોવાના આક્ષેપો કર્યા હતા. અન્ય ફરિયાદ દાખલ કરવા ખોટી રીતે દબાણ ઊભું કરી પોલીસ સમક્ષ ખોટા વાહિયાત આક્ષેપો કરવા ઉપરાંત પોલીસ કર્મીને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી નાખવાની ધમકી આપી, ફરજમાં રૂકાવટ કર્યાની તથા આરોપી ખેરાજ કેશવ રૂડાચએ પોલીસને ધક્કો મારી પાયા વિહોણા આક્ષેપ કર્યાનું પણ આ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
આ સમગ્ર બનાવ સંદર્ભે ખંભાળિયાના પી.એસ.આઈ. યુ.કે. જાદવ દ્વારા ફરિયાદી બની, અને ઈસુદાન ગઢવી સહિતના અઢાર વ્યક્તિઓ સામે નામ જોગ તેમજ 12 થી 15 જેટલા અજાણ્યા શખ્સો સામે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પોલીસે 18 આરોપીઓની અટકાયત કરી લીધી છે. ત્યારે અજાણ્યા શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવ બનતા અહીંના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા ખંભાળિયા પોલીસ મથકમાં દોડી ગયા હતા અને એલસીબી, એસઓજી, સ્થાનિક સહિતના પોલીસ અધિકારીઓ તેમજ તેમની ટીમને સાથે રાખીને આરોપીઓની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
– હુલ્લડ પ્રકરણના આરોપીઓના નામ –
ગઈકાલે અહીંના પીએસઆઈ જાદવ દ્વારા નોંધાવવામાં આવેલી ધોરણસરની ફરિયાદમાં આરોપી તરીકે ઈસુદાન ખેરાજભાઈ ગઢવી, રામજી જેઠાભાઈ પરમાર, ખેરાજ કેશવભાઈ રૂડાચ, ભારા અરજણભાઈ કારીયા, રાજેશ નટવરલાલ ઇલાણી, શામજી કરશનભાઈ ચાવડા, કીશોર કરશનભાઈ ચાવડા, આવળદાન માણશુરભાઈ જામ, રમેશ ભીખાભાઈ હરીયાણી, ડાયાલાલ ધરમશી ચોપડા, કાના રામભાઈ જામ, કાન્તી રૂડાભાઈ ચોપડા, વીરા કારાભાઈ કંડોરીયા, નાથા રાયાભાઈ કારીયા, રામ ખેતશીભાઈ યોગાણી, ગીરીશ મુળજીભાઈ પરમાર, ઘેલુ ભીખાભાઈ આંબલીયા, કેતન ધાનાભાઈ નંદાણીયા સહીત આશરે ત્રીસથી પાંત્રીસ જેટલા આરોપીઓ સામે ખંભાળિયા પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
મંગળવારના ગુનાનો મુખ્ય આરોપી એવો દિપક મૂળ બિહારનો રહેવાસી હોવાનું તથા તેની સામે રાયોટીંગ, છેડતી સહિતના ત્રણ જેટલા ગુનાઓ નોંધાયાનું પણ જાણવા મળ્યું છે. આ આરોપીને પોલીસ દ્વારા બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે આગળની તપાસ અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર બનાવે ખંભાળિયા પંથક સાથે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
ખંભાળિયા: આરોપીને છોડાવવા માટે “આપ”ના કાર્યકરોનું પોલીસ મથકમાં હુલ્લડ
– આપના પ્રદેશ પ્રમુખ સહિત 30 સામે રાયોટીંગ સહિતનો ગુનો: ભારે ચકચાર –
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૬
ખંભાળિયામાં ગઈકાલે મંગળવારે બે વાહન અકસ્માત બાદ એક આરોપી દ્વારા માથાકૂટ કરીને બે યુવાનોને માર મારવા તેમજ સોનાના ચેનની લૂંટ ચલાવવા સબબ પરપ્રાંતિય શખ્સ સામે નોંધાયેલી ફરિયાદ બાદ આજરોજ આ આરોપી સંદર્ભે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના કાર્યકરોએ ખંભાળિયા પોલીસ મથકમાં બઘડાટી બોલાવી, પોલીસ સામે અણછાજતું વર્તન કરવા સબબ રાયોટીંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં ગઈકાલે મંગળવારે સાંજે બે યુવાનો એક મોટર સાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે સર્જાયેલા એક સામાન્ય અકસ્માત બાદ સામેથી આવી રહેલા એક એક્ટિવા પર જઈ રહેલા દીપક નામના એક શખ્સ દ્વારા ફરિયાદી તથા તેમની સાથે જઈ રહેલા બાઇક સવાર યુવાનને માર મારી, સોનાના ચેનની લૂંટ ચલાવા અંગેનો ગુનો નોંધાયો હતો.
આ બનાવના અનુસંધાને આજરોજ બપોરે ખંભાળિયા પોલીસ મથકમાં ખંભાળિયા તાલુકાના મૂળ વતની અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર સહિતના આશરે 30 જેટલા શખ્સોએ ટોળા સ્વરૂપે ધસી જઈને પોલીસ સાથે કથિત રીતે ગેરવર્તન કર્યાનું ખુલવા પામ્યું છે.
આટલું જ નહીં, આરોપીઓ દ્વારા ફેસબુક લાઈવ કરીને અહીં ફરજ પરના પોલીસ અધિકારીઓ કર્મચારીઓને એલફેલ શબ્દો કહી, ગર્ભિત રીતે ધમકી આપ્યાનું પોલીસ દ્વારા જાહેર થયું છે. આ સમગ્ર બનાવ સંદર્ભે ખંભાળિયાના પી.એસ.આઈ. યુ.કે. જાદવ દ્વારા ફરિયાદી બની, અને ઈશુદાન ગઢવી સહિતના અઢાર વ્યક્તિઓ સામે નામ જોગ તેમજ 12 અજાણ્યા શખ્સો સામે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પોલીસે આરોપીઓની અટકાયત કરી લીધી છે. ત્યારે અજાણ્યા શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓને આવતીકાલે અહીંની કોર્ટમાં રજૂ કરી, રિમાન્ડ માટેની તજવીજ પણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ બનતા અહીંના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા ખંભાળિયા પોલીસ મથકમાં દોડી ગયા હતા અને એલસીબી, એસઓજી સ્થાનિક સહિતના પોલીસ અધિકારીઓ તેમજ તેમની ટીમને સાથે રાખીને આરોપીઓની અટકાયત કરી ધોરણ સરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ગઈકાલના ગુનાનો મુખ્ય આરોપી એવો દિપક મૂળ બિહારનો રહેવાસી હોવાનું તથા તેની સામે રાયોટીંગ, છેડતી સહિતના ત્રણ જેટલા ગુનાઓ નોંધાયાનું પણ જાણવા મળ્યું છે. આ આરોપીને પોલીસ દ્વારા બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.
Show quoted text
