Headlines

ચિન્મય મિશન ભાવનગર દ્વારા ભગવદ ગીતા અભ્યાસના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી


ડો ચિન્મય શાહ, ભાવનગર

ભારતીય અધ્યયનનો વૈદિક વારસો આપણા ઋષિઓ દ્વારા વેદ, ઉપનિષદ આદિ અનેક શાસ્ત્રોના રૂપે માનવજાતને પ્રેરણા આપે છે. સર્વ શાસ્ત્રોના સારરૂપ એવી શ્રીમદ ભગવદ ગીતાના પ્રચાર અને પ્રસારનું ભગીરથ કાર્ય ચિન્મય મિશન દ્વારા વિશ્વભરમાં ચાલી રહ્યું છે.

ભગવદ ગીતાનું તત્વજ્ઞાન અને જીવન જીવવાની કળા શીખવાના હેતુથી ચિન્મય મિશન ભાવનગર દ્વારા મિશનના આચાર્ય પૂજ્ય સ્વામી સમાત્માનંદજીના સાન્નિધ્યમાં વર્ષ ૨૦૧૬ માં ગીતા વર્ગ શરૂ કરવામાં આવ્યા હતા. આ ગીતા વર્ગમાં ગ્રંથના ૧૮ અધ્યાય અને 701 શ્લોકની વ્યાખ્યા કરવામાં આવી તથા પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીની વિશ્વપ્રસિદ્ધ ‘હોલી ગીતા’ નો પણ અભ્યાસ કરવામાં આવ્યો. સાધકોએ પ્રશ્નોત્તરી થકી પોતાના સંશયોનું નિરાકરણ પણ કર્યું. આ તત્વજ્ઞાન-જીવન ગ્રંથ શીખવાથી અનેક સાધકોમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને સાધકો સ્વયં ગીતાના શ્લોકની વ્યાખ્યા કરી શકે તેવા સક્ષમ બન્યા છે.

વર્ષ ૨૦૧૬ થી શરૂ થયેલ આ ભવ્ય ગીતા યાત્રા એપ્રિલ ૨૦૨૬ માં સંપન્ન થઈ છે, જેમાં ભાવનગર, ગુજરાત તથા ભારતના વિવિધ રાજ્યોના સાધકોએ દિવ્ય લાભ લીધો છે. આ દિવ્ય યાત્રાની પૂર્ણાહુતિના ભાગરૂપે ૧૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૦૦ દરમિયાન પૂજ્ય સ્વામી સમાત્માનંદજી દ્વારા ઓનલાઈન ‘ગીતા સાર’ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે ૬:૦૦ વાગ્યે ચિન્મય ભાવાશ્રમ, કાળિયાબીડ, ભાવનગર ખાતે ભક્તિભાવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તો દ્વારા અનુભવ, પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ તેમજ હવન દરમિયાન થતા વૈજ્ઞાનિક પરિવર્તનોની સમજૂતી આપવામાં આવી હતી.

આ આધ્યાત્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જ્ઞાન અને ભક્તિનો લાભ લેવા બદલ ચિન્મય મિશન, ભાવનગર દ્વારા સૌ સાધકો અને નગરજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *