Headlines

જન્મદિવસની અનોખી ઉજવણી: ભાણવડના સેવાભાવી કાર્યકર દ્વારા શ્વાનોને દૂધ પીવડાવીને કરી વિશિષ્ટ ઉજવણી


જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૬

       ભાણવડના જાણીતા જીવદયાપ્રેમી અને ‘એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ’ના પ્રમુખ અશોકભાઈ ભટ્ટે પોતાના જન્મદિવસ પર કેક કાપવા કે વૈભવી પાર્ટીઓ કરવાને બદલે દરવર્ષની જેમ આ વર્ષે પણ અબોલ જીવોની સેવા કરી અનોખી મિસાલ કાયમ કરી છે.

      હાલ આકરી ઉનાળાની ગરમીથી અબોલ જીવો તોબા પોકારી રહ્યા છે. ત્યારે અશોકભાઈએ જન્મદિવસ નિમિત્તે મૂંગા જીવોની જઠરાગ્નિ ઠારવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે ટ્રસ્ટના સભ્યો સાથે મળીને મોડી રાત્રે ભાણવડના મોટાભાગના શેરી-ગલીના તમામ શ્વાનોને 65 લીટર જેટલું ઠંડું દૂધ પીવડાવ્યું હતું.

       આ કાળઝાળ ગરમીમાં ઠંડું દૂધ મળતા તૃપ્ત થયેલા અબોલ જીવોની આંખોની ખુશી જોઈ અશોકભાઈએ ભાવુક થઈ જણાવ્યું કે, “જન્મદિવસ પર ખોટા ખર્ચ કરવા કરતા આ મૂંગા જીવોના પેટ ઠારીને જે આત્મિક આનંદ મળ્યો છે, તેનાથી મારો જન્મદિવસ સાચા અર્થમાં સાર્થક થયો છે. અશોકભાઈની આ પ્રેરણાદાયી ઉજવણી સમગ્ર ભાણવડ પંથકમાં ભારે આવકારદાયક બની રહી હતી.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *