Headlines

દ્વારકામાં વડાપ્રધાન મોદીના 12 વર્ષના કાર્યકાળની ભવ્ય ઉજવણી


– સાંસદ પૂનમબેન માડમ અને મંત્રી રિવાબા જાડેજા રહ્યા ઉપસ્થિત –

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬

      વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના સફળ 12 વર્ષ પૂર્ણ થતા દ્વારકા ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પવિત્ર યાત્રાધામ દ્વારકામાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ અત્યાર સુધીમાં 4399 દિવસ પ્રધાનમંત્રી કાર્યાલયમાં નિષ્ઠાપૂર્વક વિતાવ્યા છે, જે તેમના રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણનું પ્રતીક છે.

       આ ઉજવણીના ભાગરૂપે દ્વારકાના ગોમતી ઘાટ ખાતે ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો જોડાયા હતા. આ ઉપરાંત, સ્વચ્છતાના સંદેશને ફેલાવવા માટે દ્વારકાધીશ મંદિર પરિસરમાં એક વિશેષ સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું, જેના દ્વારા મંદિર વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

      આ કાર્યક્રમોમાં સાંસદ પૂનમબેન માડમની સાથે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ ઉપસ્થિત મહાનુભાવો અને શ્રદ્ધાળુઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરી હતી.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *