જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા અને આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા અમૃતબેન કારાભાઈ પારીયા નામના 26 વર્ષના મહિલા તથા તેણીના પિતા કારાભાઈને આ જ વિસ્તારમાં રહેતા રાણાભાઈ ગોરડીયા, ભરતભાઈ ગોરડીયા અને ગોપાલ રમેશભાઈ ગોરડીયાએ કોઈ કારણોસર લાકડી તથા બાવળના લાકડા વડે બેફામ માર મારી, બિભત્સ ગાળો ભાંડી હતી. આટલું જ નહીં, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી, તેણીની પાસે રહેલો આંગણવાડીનો સરકારી ફોન તોડી નાખ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આમ, ત્રણેય આરોપીઓએ એકસંપ કરી, પિતા-પુત્રીને માર મારી, ઈજાઓ કર્યાની તથા મારી નાખવાની ધમકી આપી, મોબાઈલ ફોન તોડી નાખવા સબબ ખંભાળિયા પોલીસે બીએનએસ તથા જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ બી.એમ. ગોજીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
_____________________________________________________________________________
ખંભાળિયા, મીઠાપુરમાં બે સ્થળોએથી આઠ જુગારીઓ ઝડપાયા
ખંભાળિયા વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. સી.આર. રાણા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કાનાભાઈ લુણા, સામતભાઈ ગઢવી અને વિરેન્દ્રસિંહ નટુભા જાડેજાને મળેલી બાતમીના આધારે અત્રેથી આશરે 16 કિલોમીટર દૂર પીરલાખાસર ગામે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા હનીફ સીદિક સુમરા, નજીર હાશમ સંધી, સમીર ઈસ્માઈલ આમરોણીયા અને સદ્દામ ઓસમાણ ગજણ નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂ. 24,500 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
મીઠાપુર પોલીસની કાર્યવાહીમાં નજીકના ભીમરાણા ગામેથી મોડી રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટ ના અજવાળે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા બિંદુબેન મનીષભાઈ સરદડિયા, મમતાબેન યુવરાજભાઈ માણેક, નિલેશ મનસુખભાઈ પંચમતીયા અને એલીયાસ મહમદ સીદી નામના ચાર પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા 15,590 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
_____________________________________________________________________________
મીઠાપુરમાં વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા
મીઠાપુરમાં ટાટા કંપનીના સિમેન્ટ પ્લાન્ટના ગેઈટ પાસેથી પોલીસે રાજમલભા સાજણભા પરમાર અને રાજેશ પ્રવીણભાઈ ચાનપા નામના બે શખ્સોને પોલીસે રૂપિયા 25,666 ની કિંમતની વિદેશી દારૂની 41 બોટલ સાથે ઝડપી લઇ, પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
