– સાંજના સમયમાં ત્રણ દિવસ સુધી દર્શનમાં એક કલાકનો વધારો –
જામ ખંભાળિયા, તા. ૧૩-૦૬-૨૦૨૬
દ્વારકામાં પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે આવતા ભાવિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ જગતમંદિર વહીવટ તંત્ર તથા પૂજારી પરિવાર દ્વારા ભક્તોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અધિક માસના અંતિમ દિવસોમાં, ખાસ કરીને શનિવાર અને રવિવાર દરમિયાન દ્વારકામાં ભાવિકોની વિશાળ ભીડ થવાની સંભાવના હોવાથી દર્શન વ્યવસ્થાને વધુ સુગમ અને સુવ્યવસ્થિત બનાવવા માટે આગામી ત્રણ દિવસ સુધી શ્રી દ્વારકાધીશ મંદિર સાંજે 5 વાગ્યાના બદલે 4 વાગ્યે ભાવિકો માટે ખુલ્લું મુકવામાં આવશે.
આ નિર્ણયનો મુખ્ય હેતુ દૂર-દૂરથી ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે પધારતા ભક્તોને સરળતાથી, ઓછા સમયમાં અને સુવિધાજનક રીતે દર્શનનો લાભ મળી રહે તે છે. પુરુષોત્તમ માસનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી આ સમયગાળા દરમિયાન હજારોની સંખ્યામાં ભાવિકો દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવવા માટે દ્વારકા પધારતા હોય છે.
શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણ તેમજ પૂજારી પરિવારે સંયુક્ત રીતે આ નિર્ણય લીધો છે, જેથી યાત્રિકોને કોઈ અગવડતા વિના દર્શનનો લાભ પ્રાપ્ત થઈ શકે. મંદિર પ્રશાસન દ્વારા ભાવિકોને દર્શન દરમિયાન શિસ્ત જાળવવા તેમજ મંદિર તંત્રના માર્ગદર્શનને અનુસરવા અપીલ કરવામાં આવી છે.
આ અંગે મંદિર વહીવટ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાવિકોની સુવિધા અને સુરક્ષા તેમની પ્રાથમિકતા છે અને ભવિષ્યમાં પણ ભક્તહિતને ધ્યાનમાં રાખીને જરૂરી નિર્ણયો લેવામાં આવશે.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
