પોરબંદરના સાંદીપનિ વિદ્યનિકેતાનમાં શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્સવ મહામહોત્સવ ૨૦૨૬ અંતર્ગત ધાર્મિકકાર્યો સાથે-સાથે માનવ સેવાના મહાયજ્ઞ સમા મેડિકલ કેમ્પસનું પણ આયોજન કરવામાં આવેલ હતું.
શ્રીહરિ મંદિરના પાટોત્સવના ચોથા દિવસે તા.૨૪-૦૧-૨૬, સવારે સાંદિપની ગુરુકુળ ખાતે સવારે ત્રણ મેડીકલ કેમ્પસ સેવાયજ્ઞની પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાના કરકમલો દ્વારા મંત્રોચ્ચાર સાથે “દીપ પ્રાગટ્ય” કરી શુભ શરૂઆત કરવામાં આવેલ. આ ઉદ્ઘાટન વેળાએ આદરણીય શ્રી ગૌતમભાઈ ઓઝા, અતિથી વિશેષ પોરબંદર જિલ્લા કલેકટર શ્રી ધાનાણી સાહેબ, પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબ, પોરબંદર મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલ કુમાર, પોરબંદર કોસ્ટ ગાર્ડ હેડ ક્વાર્ટર ના ડીઆઈજી શ્રી પંકજ અગ્રવાલ સાહેબ, આ ઉપરાંત આદરણીય મુરબ્બી શ્રી વિનોદજી સાધુ, આદરણીયા ગૌરીબહેન ગોયલ, યુ.એસ.એ થી પધારેલ ડો. ભાલોડકર સાહેબ, શ્રી પૂજાબહેન તાપડીયા ડો.સુરેશ ગાંધી, ડો. ભરત ગઢવી અને કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરશ્રીઓ તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા.
૧) કિડનીને લગતા રોગોનો નિદાન કેમ્પ (યુરોલોજી તેમજ નેફ્રોલોજી):-
આ કેમ્પમાં રાજકોટની લબ્ધપ્રતિષ્ઠિત યુરોકેર હોસ્પિટલના સિનીયર યુરોલોજીસ્ટ ડો.જીતેન્દ્ર અમલાણી,યુરોલોજીસ્ટ ડો.જીગેન ગોહેલ, ડો.ધૃતિ કલસરિયા અમલાણી અને નેફ્રોલોજીસ્ટ ડો.પ્રફુલ્લ ગજ્જર અને ટીમ દ્વારા ૮૮ દર્દીઓની તપાસ કરીને જરૂરી ઉપચાર કરવામાં આવ્યો.
૨) એન્ડોક્રાઇનોલોજી કેમ્પ (અંતઃસ્ત્રાવી ગ્રંથિને લગતા રોગો જેવા કે ~ડાયાબિટીસ વગેરે દર્દોનો નિદાન કેમ્પ):-
આ કેમ્પમાં રાજકોટના ડો. ક્રિષ્ના મોરી અને ટીમ દ્વારા કુલ ૩૭ લાભાર્થીઓને ઘનિષ્ઠ રીતે તપાસવામાં આવ્યા.
૩) કેન્સર જનજાગૃતિ તથા નિદાન કેમ્પ:-
આ કેમ્પમાં રાજકોટની શાશ્વત હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર કેન્સરના દર્દોના સર્જન ડો.નિસર્ગ ચોવટિયા, કેન્સર સ્પેશીયાલીસ્ટ ડો.મેઘલ ગાજીપરા, હેમોટોલોજીસ્ટ ડો.સુજય રાઈચવર, ડો.રામકૃષ્ણ તથા ટીમ દ્વરા ૨૫ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા.
ઉપરોક્ત ત્રણેય કેમ્પ મેડીકલ દરમ્યાન પોરબંદરના ખૂબ જાણીતા આંખના સર્જન ડો.મનોજભાઈ જોશીની પુત્રી ડો. રુચા મનોજભાઈ જોશી, ડો. રશ્મી રંગવાણી, ડો.જીતેન્દ્ર મારુ આ ત્રણ મેડીકલ ઓફિસર ડોક્ટરોએ પેશન્ટ રજીસ્ટ્રેશન તેમજ કેમ્પસમાં જરૂરી કાર્યોમાં પોતાની માનદ્ સેવા પૂરી પાડેલ હતી.
કેમ્પમાં આવેલા લાભાર્થી દર્દીઓને શારીરિક તપાસ ઉપરાંત જરૂર પ્રમાણેની ૬૧ લેબોરેટરી ટેસ્ટ, ૯ ઈ.સી.જી (કાર્ડિયોગ્રામ), ૨૯ સોનોગ્રાફી અને ૫ સીટી સ્કેન પણ કેમ્પના સ્થળ પર જ વિનામૂલ્યે પુરા પાડવામાં આવેલ. સવારે ૯ કલાકથી સાંજના ૫ વાગ્યા સુધી સતત કેમ્પ ચાલુ રહ્યો હતો.
આ ત્રણેય કેમ્પની વ્યવસ્થા ઇંગ્લીશ મીડીયમ સ્કુલના સ્ટાફ દ્વારા ખુબ સુંદર રીતે કરવામાં આવેલ. જેના કો-ઓર્ડીનેટર તરીકે શ્રી દેવજીભાઈ ઓડેદરા તથા સ્ટાફ દ્વારા સેવા પૂરી પાડેલ હતી.
દંત ચિકિત્સા કેમ્પ
શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્સવ અંતર્ગત પાંચ દિવસના મહામહોત્સવમાં પ્રથમ દિવસથી જ દંત ચિકિત્સા કેમ્પ પણ શરૂ કરવામાં આવેલ હતો. જેમાં લાભુભાઈ શુક્લ મેમોરિયલ ટ્રસ્ટ ગવરીદળ ના અત્યંત સેવાભાવી દંત વૈદ્ય હર્ષદભાઈ જોશી અને દંત વૈદ્ય સરોજબહેન જોશી તેમજ ટીમ દ્વારા જાલંધર બંધ યોગ પદ્ધતિ દ્વારા ૨૫૫ લાભાર્થીઓને તપાસવામાં આવેલ અને તે પૈકી ૧૦૩ ટુથ એક્સટ્રેકશન પણ કરવામાં આવેલ. દંતયજ્ઞ દરમિયાન વ્યસનમુક્તિ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે છે.
પૂજ્ય ભાઈશ્રી દ્વારા તમામ કેમ્પસમાં સેવા આપનાર નિષ્ણાત ડોક્ટર્સ અને તેમની ટીમનું આશીર્વાદ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આ તમામ કેમ્પસનું સમગ્રતયા સુચારુ આયોજન ડો.સુરેશભાઈ ગાંધી તથા સાંદીપનિના ટ્રસ્ટી ડો.ભરતભાઈ ગઢવી સાહેબ દ્વારા કરવામાં આવેલ હતું.
