જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬
ખંભાળિયાના યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી
ખંભાળિયામાં એસ.ટી. ડેપો પાસે રહેતા ઈસ્માઈલભાઈ અનવરભાઈ ભગાડ નામના 31 વર્ષના યુવાને બુધવાર તા. 18 ના રોજ રાત્રિના સમયે પોતાના મકાનમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. જે અંગે મૃતકના મોટાભાઈ યાસીનભાઈ અનવરભાઈ ભગાડ (ઉ.વ. 36) એ ખંભાળિયા પોલીસને જાણ કરી છે.
_____________________________________________________________________________
કલ્યાણપુરના યુવાને અકળ કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ જેરામભાઈ શીર નામના 24 વર્ષના સગર યુવાને ગત તારીખ 8 જાન્યુઆરીના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીના શેઢે પોતાના હાથે ખેતીમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા જેરામભાઈ સામતભાઈ શીરએ કલ્યાણપુર પોલીસને કરી છે.
_____________________________________________________________________________
સુરજકરાડીના યુવાનનું અપમૃત્યુ
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા કરમણભા આલાભા માણેક નામના 29 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને ગત તારીખ 13 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે પેટમાં ગેસ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા આલાભા બાલુભા માણેકએ મીઠાપુર પોલીસને કરી છે.
_____________________________________________________________________________
“જમવાના પૈસા શું કામ માંગે છે” કહીને ભાટિયાના યુવાન પર પાઇપ વડે હુમલો
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા અને ખાણીપીણીની દુકાન ધરાવતા એક યુવાનને ગત તા. 17 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે ભાટિયામાં ભોગાત રોડ પર આવેલા એક મંદિર પાસે બોલાવીને ભકા ગઢવી અને જયેશ થારુ નામના બે શખ્સોએ “અમે તારી હોટલે જમવા માટે આવીએ ત્યારે તું મારી પાસે શું કામ પૈસા માંગે છે?” તેમ કહી, ઉશ્કેરાઈને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. જેના કારણે તેમને ઈજાઓ થવા પામી હતી.
આમ, જમવાના પૈસા બાબતે બોલાચાલી કરી, બંને શખ્સોએ ફરિયાદી યુવાનને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં બંને શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
_____________________________________________________________________________
ભાણવડમાં યુવતીના પીછો કરતા અજાણ્યા બાઈક સામે ફરિયાદ
ભાણવડ વિસ્તારમાં રહેતી એક યુવતીના પતિ થોડા સમય પૂર્વે અવસાન પામ્યા હોય, જેથી તેણે ભાણવડમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ખાતે ગઈકાલે ગુરુવારે બપોરના સમયે વિધવા સહાયના પૈસા ઉપાડવા માટે ગયા હતા. બેંકમાંથી પૈસા ઉપાડીને તેઓ બહાર નીકળ્યા ત્યારે, એકાએક કાળા કલરનું ટીશર્ટ પહેરેલો એક શખ્સ જી.જે. 10 બી.પી. 3794 નંબરના એક મોટરસાયકલ પર અહીં આવ્યો હતો અને યુવતીનો પીછો કરવા લાગતા તેણે ગભરાઈને સલામત રીતે દોડવા લાગી હતી.
આ બનાવ દરમિયાન અહીં આવી ગયેલા અન્ય સ્થાનિકોએ મદદ કરતા બાઈક ચાલકને ઝડપી લઇ, પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ભાણવડ પોલીસે ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
_____________________________________________________________________________
સુરજકરાડીનો વરલી ભક્ત ઝડપાયો
મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા નિલેશ રમણીકલાલ ગામાણી નામના 50 વર્ષના શખ્સને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
