વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૨૨
ભાવનગરમાં વીર માંધાતા ગ્રુપ દ્વારા સાદગી, સમાનતા અને સંસ્કારના સૂત્ર સાથે 151 દંપતીઓને સહઅસ્તિત્વ તરફ પ્રયાણ કરાવતો બારમો સમૂહલગ્ન તા. 22 ફેબ્રુઆરી 2026ના રોજ જવાહર મેદાન ખાતે ધામધૂમ અને ઝાકમઝાળ વચ્ચે યોજાયો હતો.જેમાં અઢારેય વર્ણના કુલ 151 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી નવજીવનનો પ્રારંભ કર્યો હતો. માંધાતા સંગઠન દ્વારા છેલ્લા બાર વર્ષથી ચાલી રહેલા આ મહોત્સવ દ્વારા અત્યાર સુધી કુલ 2000 યુગલો પરિણયબંધનમાં જોડાયા છે.

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્ય મંત્રી ભાગવત માન,વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ પાર્ટીના ઈસુદાન ,મહામંડલેશ્વર ૧૦૦૮ પ.પૂ. કિરણા નંદજી મહારાજ, પ્રદેશ મહિલા કોળી સંગઠનના સુદેશ માહોરજી તેમજ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી. એક અંદાઝ મુજબ આશરે 35000 લોકોએ આ પ્રસંગને માણ્યો હતો. જે પૈકી મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો દ્વારા આ પ્રયાસને બિરદાવ્યો હતો. આ પ્રસંગે બોલતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે આ કાર્યક્રમ કોઈ એક પાર્ટીનો નહીં પરંતુ સમગ્ર સમાજનો છે. અરવિંદ કેજરીવાલે કોળી સમાજના બાળકોની રચનાત્મકતા અને તેમની ક્ષમતાને બિરદાવતાં કહ્યું કે તક મળે તો તેઓ દરેક ક્ષેત્રે સફળતાના શિખરો સર કરી શકે છે. જ્યારે ભગવત સિંહ માને આવા ભગીરથ અને સમાજજાગૃતિના કાર્યક્રમમાં ભાગીદાર થવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મહાનુભાવો ને વિશાળ પુષ્પગુચ્છના હાર, તલવાર અને કૃષ્ણકુમાર સિંહજી મહારાજ ની તસવીર દ્વારા સન્માનિત કરવામાં આવેલ.

