Headlines

ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં મીટ માર્કેટનો ઉગ્ર વિરોધ: એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યએ કમિશનરને લખ્યો પત્ર

અહિંસાની ભૂમિ પર કતલખાના જેવી પ્રવૃત્તિ નૈતિક મૂલ્યો વિરુદ્ધ હોવાની રજૂઆત; મીટ માર્કેટના બદલે પશુ સંભાળ કેન્દ્ર બનાવવાની માંગ

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા મીટ માર્કેટ બનાવવાના લેવાયેલા નિર્ણય સામે હવે કાનૂની અને સામાજિક વિરોધ તેજ બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના વિરોધ બાદ હવે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના માનદ રાજ્ય પશુ કલ્યાણ અધિકારી અને ગુજરાત રાજ્ય પશુ કલ્યાણ બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહ દ્વારા પોરબંદર મ્યુનિસિપલ કમિશનર હિતેશ પ્રજાપતિને પત્ર લખીને આ પ્રોજેક્ટ સામે સખત વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

ગાંધીવાદી મૂલ્યોનું હનન

રાજેન્દ્ર શાહ દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે પોરબંદર માત્ર એક શહેર નથી, પરંતુ તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પવિત્ર જન્મભૂમિ છે. ગાંધીજીએ સમગ્ર વિશ્વને અહિંસા, કરુણા અને સત્યના પાઠ ભણાવ્યા છે. લાખો લોકો પોરબંદરને શાંતિ અને માનવતાના પ્રતીક તરીકે જુએ છે. આવા ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા શહેરમાં મીટ માર્કેટની સ્થાપના કરવી એ ગાંધીવાદી મૂલ્યોની વિરુદ્ધ છે અને તેનાથી શહેરની નૈતિક ઓળખને નુકસાન પહોંચશે.

કાનૂની અને આરોગ્યના પ્રશ્નો

પત્રમાં માત્ર નૈતિક જ નહીં, પરંતુ કાનૂની અને નાગરિક સુવિધાના મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. રહેણાંક અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં મીટ માર્કેટની સ્થાપના મ્યુનિસિપલ કાયદાઓ અને પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરી શકે છે. અયોગ્ય કતલ અને માંસના વેચાણથી સ્વચ્છતાના પ્રશ્નો, દુર્ગંધ, કચરાનું ગેરવ્યવસ્થાપન અને પાણીના પ્રદૂષણ જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે, જે જાહેર આરોગ્ય માટે જોખમી છે. આ બાબતે ‘પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ’ (પશુઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ) ના ભંગ બદલ કાનૂની કાર્યવાહી અને જાહેર હિતની અરજી (PIL) થવાની પણ ભીતિ દર્શાવવામાં આવી છે.

કરુણા સભર વિકલ્પની દરખાસ્ત

રાજેન્દ્ર શાહ દ્વારા પત્રમાં સૂચન કરવામાં આવ્યું છે કે મીટ માર્કેટ બનાવવાને બદલે તે જગ્યાનો ઉપયોગ પશુઓ માટેના ‘એનિમલ કેર એન્ડ ફીડિંગ સેન્ટર’ (પશુ સંભાળ અને આહાર કેન્દ્ર) તરીકે કરવો જોઈએ. આ કેન્દ્રમાં નીચે મુજબની સુવિધાઓ હોવી જોઈએ:

  • ​યોગ્ય વ્યવસ્થાપન ધરાવતી પાંજરાપોળ જેવી આશ્રય વ્યવસ્થા.
  • ​રખડતા પશુઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા.
  • ​પ્રાથમિક પશુ ચિકિત્સા અને સારવારની સુવિધા.
  • ​પશુ જન્મ નિયંત્રણ (ABC) કાર્યક્રમ હેઠળ રસીકરણ અને નસબંધી.
  • ​માનવ અને પશુઓ વચ્ચેના સુમેળ માટે જનજાગૃતિ કાર્યક્રમ.

​પત્રના અંતે મ્યુનિસિપલ કમિશનરને વિનંતી કરવામાં આવી છે કે આ પ્રોજેક્ટ પર આગળ વધતા પહેલા સ્થાનિક નાગરિકોની સલાહ લેવામાં આવે અને પોરબંદરની ગરિમા જળવાઈ રહે તેવો નિર્ણય લેવામાં આવે. હવે જો એક લીગલ એક્સપર્ટનો વિનંતીનો સૂર પણ મહાનગરપાલિકા અવગણશે તો આગામી દિવસોમાં શું પગલાં લેવાય શકે તેનો અંદાજ લગાવી શકાય છે. બીજી તરફ પોરબંદરમાં હજી વિશ્વ હિન્દુ પરિષદનો બુલંદ અવાજ થવાનો પણ હજી બાકી છે અને આ વિરોધની દિશામાં પોરબંદરના જીવ દયા પ્રેમીઓ અને ઉદય કારાદરા ચેરીટેબલ ટ્રસ્ટ જેવી માનવતાવાદી સંસ્થાઓ પણ વિરોધ ઉઠાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *