


જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬
ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી હાલ દ્વારકા તરફ ચાલીને પ્રયાણ કરતા પદયાત્રીઓની હજારોની સંખ્યામાં ભીડ રહે છે. આ પદયાત્રીઓની સેવા- સુશ્રુષા માટે ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પ ધમધમી રહ્યા છે. આ વચ્ચે અનેક સ્થળે વ્યાપક કચરો અને ગંદકી જોવા મળે છે. તેના સાફ-સફાઈ તથા નિકાલ માટે અહીંના સેવાભાવી કાર્યકરની પહેલ પ્રેરણારૂપ બની રહી છે.
દેવભૂમિ દ્વારકાની પવિત્ર ધરતી પર ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકા તરફ જઈ રહેલા પદયાત્રાળુઓ માટે ખંભાળિયા તાલુકાના દાતા ગામની ગોલાઈ પાસે કાર્યરત રાયપુરના મહંત શ્રી વીરાબાપુની જગ્યાના મહંત શ્રી હિપા બાપુના સેવા કેમ્પ ખાતે યુવા કાર્યકરો સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ ભરવાડ તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
સેવાભાવી કાર્યકરો દ્વારા અહીં કચરાનો નિકાલ કરી અને સેવા કેમ્પ વિસ્તારમાં તથા આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા રાખવા સાથે પ્લાસ્ટિકમુક્ત સેવા આપવાનો સંદેશ યુવા કાર્યકરો દ્વારા જનતા સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ સેવા કાર્ય કરતા રાજુભાઈ ભરવાડે જણાવ્યું કે, “સેવા સાથે સ્વચ્છતા રાખવી આપણી નૈતિક ફરજ છે. ધાર્મિક યાત્રાઓ દરમિયાન સ્વચ્છતા જાળવવી એ ભગવાનની સાચી સેવા છે. પ્લાસ્ટિકમુક્ત સેવા દ્વારા જ સાચી પ્રભુસેવા શક્ય બને છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાનને ધાર્મિક યાત્રાઓ અને સેવા પ્રવૃત્તિઓમાં પણ અમલમાં મૂકવાનો સંકલ્પ આ અભિયાન દ્વારા વ્યક્ત થયો. આ રીતે રાજુભાઈ ભરવાડે યુવા કાર્યકરોને જોડીને સ્વચ્છતા અને સેવા બંને ક્ષેત્રે સમાજને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.



(ફોટો: કુંજન રાડિયા)
