ભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર
– 62 બોટલ દારૂ સહિત કુલ રૂપિયા 4.78 લાખનો મુદ્દામાલ કબજે –
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬
ભાણવડ વિસ્તારમાં ગતરાત્રિના સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ભાણવડના પી.આઈ. સી.એલ. દેસાઈ તેમજ ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીની સૂચના મુજબ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજા, જીતુભાઈ ગઢવી, નિલેશભાઈ કારેણા અને લાલાભાઈ ખાટલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડથી આશરે 18 કિલોમીટર દૂર ગડુ ગામની પોલીસ ચેકપોસ્ટ પાસેથી આજરોજ વહેલી સવારના સમયે પસાર થતી જી.જે. 36 એફ 5212 નંબરની આઈ-20 મોટરકારને પોલીસે અટકાવી હતી.
આ દરમિયાન પોલીસ કાર્યવાહી જોઈને આ મોટરકારનો ચાલક ઝાડી ઝાંખરામાંથી નાસી છૂટ્યો હતો. આ મોટરકારમાં ચેકિંગ દરમિયાન કારમાંથી વિદેશી દારૂની 12 બોટલ તથા 20 ચપલા તેમજ 30 બિયરના ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે રૂપિયા 28,100 ની કિંમતની વિદેશી દારૂની કુલ 62 નાની-મોટી બોટલ તથા રૂ. 4.50 લાખની કિંમતની મોટરકાર મળી, કુલ રૂપિયા 4,78,100 નો મુદ્દામાલ કબજે કરી, ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી ભાણવડ પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોષી, સર્વેલન્સ સ્ટાફના જીતુભાઈ જામ, કિશોરસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
