ચૂંટણી આચારસંહિતાના અમલ દરમિયાન 1856 શખ્સો સામે અટકાયતી પગલાં અને 3.69 લાખનો દારૂ ઝડપી પાડતી પોલીસ: કુલ 4172 વાહનોનું સઘન ચેકિંગ
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ને અનુલક્ષીને પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા આક્રમક કામગીરી હાથ ધરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિમય અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર જિલ્લાના તમામ પોલીસ મથકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. આદર્શ આચારસંહિતાના અમલની સાથે જ અત્યાર સુધીમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે મોટા પાયે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો મુજબ પોરબંદર જિલ્લામાં કુલ 792 હથિયાર પરવાનેદારો પૈકી 105 પરવાનેદારોને હથિયાર રાખવામાંથી મુક્તિ આપવામાં આવી છે, જ્યારે બાકીના કુલ 687 હથિયારો આજદિન સુધીમાં પોલીસ મથકો ખાતે જમા કરાવી દેવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લામાંથી તડીપાર કરવા લાયક ઇસમોની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદીના આધારે કુલ 30 તડીપાર દરખાસ્ત તૈયાર કરી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવી છે. આ ઉપરાંત ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા અને સમાજની શાંતિ હણતા કુલ 09 ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએ મોકલાઈ છે.
ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને કાયદો વ્યવસ્થા માટે પડકારરૂપ બની શકે તેવા કુલ 1856 ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 1835 લિટર દેશી દારૂ તથા 404 અંગ્રેજી દારૂની બોટલો મળીને કુલ 3,69,460 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા માટે પોલીસ દ્વારા કુલ 66 હિસ્ટ્રીશીટરોની ગતિવિધિઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે.
વાહન ચેકિંગની ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં હંગામી ધોરણે ઊભી કરવામાં આવેલી કુલ 09 ચેક પોસ્ટ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 4172 વાહનોનું બારીકાઈથી ચેકિંગ કરવામાં આવ્યું છે. કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા બિન જામીન લાયક વોરંટના મામલે પણ પોલીસ સક્રિય છે. કુલ 554 વોરંટ પૈકી 291 જેટલા વોરંટની બજવણી કરી દેવામાં આવી છે અને બાકીના વોરંટ ધારકોને પકડવા તજવીજ તેજ કરી છે. નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે, જે અંતર્ગત 7 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ અધીક્ષક દ્વારા સમગ્ર જિલ્લામાં ડે-નાઈટ પેટ્રોલિંગ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ વધારી દેવા તમામ ડિવિઝન અધિકારીઓ અને થાણા અમલદારોને આદેશ અપાયા છે.
