
જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬
ભાણવડ તાલુકાના માનપર ગામની સીમમાં આવેલી એક વાડીના અંદાજે 70 થી 80 ફૂટ ઊંડા પડતર અને પાણી વગરના કૂવામાં છેલ્લા બે-ત્રણ દિવસથી એક શ્વાન પડી ગયું હતું. આ બાબતની જાણ સ્થાનિક રહેવાસી દ્વારા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટને કરવામાં આવી હતી.
અબોલ જીવની વહારે તાત્કાલિક ધોરણે ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટ અને રેસ્ક્યુઅર ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કૂવો અત્યંત ઊંડો હોવાથી જોખમ હોવા છતાં સંસ્થાની અત્યાધુનિક હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. ટેકનોલોજી અને હિંમતના સમન્વય સાથે ટ્રસ્ટના રેસ્ક્યુઅર અરજણભાઇ રબારી કૂવામાં ઉતર્યા હતા અને બે-ત્રણ દિવસથી ભૂખ્યા-તરસ્યા શ્વાનને હેમખેમ બહાર કાઢી નવજીવન આપ્યું હતું.
આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવવામાં અરજણભાઇ રબારી અને વિશાલ ભરવાડનો સિંહફાળો રહ્યો હતો. એનિમલ લવર્સની આ સેવા કામગીરીને લોકોએ બિરદાવી હતી.



(ફોટો: કુંજન રાડિયા)
