જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬
ખંભાળિયામાં રહેતા જાફરભાઈ ઉર્ફે કાસમભાઈ વારીયા અને તેમની સાથે આરીફમીયા અલીમીયા બુખારી નામના બે યુવાનો ગત તારીખ 20 સપ્ટેમ્બર 2022 ના રોજ રાત્રિના સમયે ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર આવેલી એક નોનવેજની રેસ્ટોરન્ટ પાસે પૈસાની લેતી-દેતી બાબતે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે ખંભાળિયાનો રહીશ અકબર ઉર્ફે હકો અલીભાઈ બ્લોચ અને મકસુદ ઉર્ફે મખી સુમારભાઈ સમા નામના બે શખ્સો મોટરસાયકલ મારફતે અહીં આવ્યા હતા. આ બંને આરોપીઓએ ફરિયાદી જાફરભાઈ ઉર્ફે કાસમભાઈ વારીયાને બિભત્સ ગાળો ભાંડતાં તેમણે ગાળો દેવાની ના કરી હતી. જેથી આરોપી અકબરએ ફરિયાદી જાફરભાઈને પાછળથી પકડી રાખી અને લૂંટી લેવાના ઇરાદાથી તેના પેન્ટમાં ખિસ્સામાં હાથ નાખ્યો હતો. પરંતુ જાફરભાઈએ આરોપીને રોકવા જતા આરોપી મકસુદએ જાફરભાઈના શરીરના પાછળના ભાગે છરી વડે હુમલો કરી, ઇજાઓ પહોંચાડી હતી.
આ પછી આરોપી અકબરએ જાફરભાઈના પેન્ટના ખિસ્સામાં હાથ નાખી તેમના ખિસ્સામાં રહેલી 35,000 ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. આ પછી આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે અકબર ઉર્ફે હકો અલીભાઈ બ્લોચ અને મકસુદ ઉર્ફે મખી સુમારભાઈ સમા વિરુદ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જે સંદર્ભે તપાસના અંતે આરોપીઓ સામે અહીંની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કેસ અહીંના પ્રિન્સિપાલ સેશન્સ જજ શ્રી એસ.વી. વ્યાસની કોર્ટમાં ચાલી જતા આ કેસમાં મહત્વના સાક્ષીઓની તપાસ સાથે મદદનીશ જિલ્લા સરકારી વકીલ બી.એસ. જાડેજા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે આરોપી અકબર ઉર્ફે હકો બ્લોચ અને મકસુદ ઉર્ફે મખી સમાને સાત વર્ષની સખત કેદ તથા બંનેને રૂપિયા 6,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
