જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૬
ચંદ્રાવાડાના યુવાન ઝેરી ટીકડા ખાઈ લેતા મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામના વાડી વિસ્તારમાં રહેતા નાગાભાઈ લીલાભાઈ ઓડેદરા નામના 28 વર્ષના મેર યુવાને ગત તા. 29 માર્ચના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા લીલાભાઈ નવઘણભાઈ ઓડેદરાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
_____________________________________________________________________________
આંબરડીના વૃદ્ધને હાર્ટ એટેક
ભાણવડ તાબેના આંબરડી ગામે રહેતા જમનભાઈ ચનાભાઈ કરણજારીયા નામના 75 વર્ષના વૃદ્ધને ગઈકાલે મંગળવારે તેમના ઘરે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ ભાણવડ પોલીસને કરાઈ છે.
_____________________________________________________________________________
વારસાઈ મિલકત બાબતે મીઠાપુરના યુવાન પર મામા તથા પરિવારજનોનો હુમલો
મીઠાપુરમાં ન્યુ મર્ચન્ટ કોલોની ખાતે રહેતા અને કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા નવીદભાઈ હનીફભાઈ હાકડા નામના 32 વર્ષના યુવાનને બિભત્સ ગાળો કાઢી, આરંભડા વિસ્તારમાં રહેતા આરોપી હારૂન ઓસમાણ માકોડા, તારમામદ ઓસમાણ માકોડા, હુસેન ઓસમાણ માકોડા, સરવર તારમામદ માકોડા, વસીમ હુસેન અને ઉસ્માન હુસેન માકોડા દ્વારા ફરિયાદી નવીદભાઈ તથા સાહેદ અનિશભાઈ અને ઈકબાલ કાકા વિગેરેને બિભત્સ ગાળો કાઢી, માર મારી, ફેક્ચર જેવી ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી નવીદભાઈના માતા તથા આરોપી હારુન ઓસમાણ માકોડા બંને ભાઈ-બહેન થતા હોય અને આરોપીએ તેના પિતાની જમીનમાં બહેનોના વારસાઈ નામ રાખ્યા ન હતા. જેથી ફરિયાદી નવીદભાઈના માતા તથા અન્ય બહેનોએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે બાબતનું મનદુઃખ રાખી, ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે તમામ છ આરોપીઓ સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
_____________________________________________________________________________
ખંભાળિયામાં સ્કૂટર અકસ્માત બાદ સોનાનો ચેન ઝૂંટવીને નાસી છૂટેલા શખ્સ સામે ફરિયાદ
ખંભાળિયામાં સ્ટેશન રોડ ઉપર નરશી ભુવનની પાછળ રહેતા સાજીદભાઈ ઈશાકભાઈ ખીરા નામના 32 વર્ષના સુમરા યુવાન તેમના મિત્ર સોકત નુરમામદભાઈ ભગાડ સાથે ગઈકાલે મંગળવારે સાંજના સમયે મોટરસાયકલ નંબર જી.જે. 37 એલ. 4376 પર બેસીને પશુ માટે ઘાસચારો લેવા માટે કોટા બાજુના ગામડામાં જવા નીકળ્યા હતા.
આ બંને યુવાનો અત્રે ગાયત્રીનગર પોલીસ લાઈન પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર આવી રહેલા એક એક્ટિવા સાથે સામાન્ય અકસ્માત થયો હતો. જેથી ઉશ્કેરાયેલા એક્ટિવા ચાલકે તેમને બિભત્સ ગાળો કાઢી, સાજીદભાઈનું ગળું દબાવી દીધું હતું. જેથી તેઓએ ગળુ છોડાવવાનો પ્રયત્ન કરતા બંને પટકાઈ પડ્યા હતા. ત્યાર બાદ એક્ટિવા ચાલકે સાજીદને ઢીકાપાટુનો માર મારી, ગળામાં પહેરેલો આશરે રૂપિયા એક લાખની કિંમતનો દોઢેક તોલા જેટલો સોનાનો ચેન ઝૂંટવીને તોડી નાખ્યો હતો.
આ પછી સાજીદને તેના મિત્ર સોકતે વધુ મારથી છોડાવી અને એક્ટિવા ચાલકને ચેન પાછો આપી દેવાનું કહેતા એક્ટિવા ચાલકે કહ્યું હતું કે “ચેન વગર જતા રહો. નહીંતર બંનેને જીવતા નહીં છોડુ”- તેવી ધમકી આપી હતી.
આ એક્ટિવા ચાલકનું નામ દીપક હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે સાજીદ ઈશાકભાઈ ખીરાની ફરિયાદ પરથી દીપક નામના ચાલક સામે બંને યુવાનોને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એસ.ઓ. સાંધ દ્વારા હાથ ધરવામાં આવી છે.
_____________________________________________________________________________
ભાણવડમાં જુગાર રમતા મહિલાઓ સહિત ત્રણ ઝબ્બે
ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાંથી પોલીસે ગંજીપાના વડે જુગાર રમી રહેલા રાહુલ રાજુ પરમાર, સોનલબેન જેકીભાઈ ચૌહાણ અને હંસાબેન લાલજીભાઈ ચુડાસમાને ઝડપી લઇ રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
