Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં રાજકીય ગરમાવો


– જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત, બે નગરપાલિકાની થશે ચૂંટણી –

– રાજકીય ગતિવિધિઓ તેજ બની –

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૬

       સમગ્ર રાજ્યમાં આગામી તારીખ 26 એપ્રિલના રોજ સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણી અંગેની વિધિવત રીતે જાહેરાત આજરોજ સાંજે ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી છે. જેના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ યોજાનાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને પેટા ચૂંટણી માટેની ગતિવિધિઓ તેજ બની છે. આ સાથે રાજકીય પક્ષોમાં પણ ઉમેદવારોની પસંદગી સહિતના મુદ્દે ધમધમાટ જોવા મળી રહ્યો છે.

        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની વિવિધ ચૂંટણી માટે તારીખ 11 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર (ફોર્મ) ભરવા, તા. 13 ના રોજ ફોર્મની ચકાસણી તેમજ તારીખ 15 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચાય બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. જેમાં રવિવાર તા. 26 એપ્રિલના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન અને જો જરૂર પડ્યે તા. 27 એપ્રિલના રોજ પુનઃ મતદાન બાદ તા. 28 ના રોજ મત ગણતરી થનાર છે.

       દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે પણ જિલ્લા પંચાયત તેમજ ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર એમ ચાર તાલુકા પંચાયત ઉપરાંત એ વર્ગને ખંભાળિયા નગરપાલિકા અને સી વર્ગની જામ રાવલ નગરપાલિકા માટે ચૂંટણી યોજાશે. આ સાથે સલાયા નગરપાલિકામાં ખાલી પડેલી એક બેઠકની ચૂંટણી પણ આ જ સમયગાળામાં નિર્ધારિત કરવામાં આવી છે. આ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે આજથી આચારસંહિતા અમલી બની ગઈ છે.

     અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં નગરપાલિકા તેમજ અન્ય સીમાંકનમાં કરવામાં આવેલા ફેરફારો સાથે ચૂંટણી ચિત્ર તેમજ ઉમેદવારો પસંદગીની પ્રક્રિયામાં પણ નોંધપાત્ર ફેરફાર આવશે. જેના કારણે રાજકીય પક્ષોને ઉમેદવારોની પસંદગી પણ નવા સીમાંકન પ્રમાણે કરવી પડશે. 

      ચૂંટણી જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ગતિવિધિઓ તેજ બની ગઈ છે. આ સાથે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં નવા કામ તેમજ આચાર સંહિતામાં આવતા હોય તેવી કામગીરીમાં પણ બ્રેક લાગી ગઈ છે. હવે ઉમેદવારોની ખેંચતાણ તેમજ મતદારોને મનાવવા સહિતની બાબતે વાતાવરણ સાથે રાજકીય ગરમાવો પણ દિવસે દિવસે વધતો જશે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *