– જિ. પંચાયતની 22, તા. પંચાયતની 80, પાલિકાઓની 61 બેઠકો પર ચૂંટણી –
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તા. 1 એપ્રિલથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત જિલ્લામાં તા. 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે. તા. 28 એપ્રિલના રોજ મતગણતરી થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તા. 6 એપ્રિલના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. તા. 11 એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. તા. 13 એપ્રિલના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. તા. 15 ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. પુન: મતદાન કરવાનું થાય તો તા. 27 ના રોજ થશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા પંચાયતની 22 બેઠકો ચૂંટણી યોજાશે. જિલ્લાની કુલ 4 તાલુકા પંચાયતોમાં પણ ચૂંટણી યોજાશે. જેમાં ખંભાળિયા તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો, ભાણવડ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો, કલ્યાણપુર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો અને દ્વારકા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો મળી કુલ 80 બેઠકો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં કુલ 3,89,619 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 2,03,105 પુરુષો, 1,86,511 સ્ત્રીઓ અને 3 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
જિલ્લાની 2 નગરપાલિકાઓ ખંભાળીયા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠક, રાવલ નગરપાલિકાના કુલ 6 વોર્ડની 24 બેઠક અને સલાયા નગરપાલિકા ખાલી રહેલી 1 બેઠક એમ મળી કુલ 61 બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. આ નગરપાલિકા વિસ્તારોમાં કુલ 61,723 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 31,940 પુરુષ તથા 29,776 સ્ત્રી અને 7 અન્ય મતદારો મતદાન કરીને લોકશાહીના પર્વમાં પોતાની પવિત્ર ફરજ નિભાવશે.
જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ખંભાળીયા તાલુકામાં 163 , ભાણવડ તાલુકામાં 97, કલ્યાણપુર તાલુકામાં 161 અને દ્વારકા તાલુકામાં 65 એમ કુલ 486 મતદાન મથકોની પ્રાથમિક યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. તેમજ ખંભાળીયા નગરપાલિકામાં 38, રાવલ નગરપાલિકામાં 17 તથા સલાયા નગરપાલિકામાં 3 એમ મળી કુલ 58 મતદાન મથકોની પ્રાથમિક યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. આમ જિલ્લામાં કુલ 544 મતદાન મથકોની પ્રાથમિક યાદી પ્રસિઘ્ઘ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે 4 ચૂંટણી અધિકારી, 8 મદદનીશ ચૂંટણી અધિકારી, 4 તાલુકા પંચાયત માટે 8 ચૂંટણી અધિકારી, 8 મદદનીશ ચૂંટણી અધિકારી અને 3 નગરપાલિકા માટે 3 ચૂંટણી અધિકારી અને 3 મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણુંક કરાઈ છે. ચૂંટણી કામગીરીના સુચારું સંચાલન માટે વિવિધ કામગીરી માટે કુલ 19 નોડલ ઓફિસરોની નિમણૂંક કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બનવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
