જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૬
કલ્યાણપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર વૃધ્ધનું મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા વરજાંગભાઈ મંગાભાઈ લુણા નામના 62 વર્ષના વૃદ્ધ ગુરુવારે રાત્રિના સમયે તેમના જી.જે. 10 બીડી 0219 નંબરના મોટરસાયકલ પર બેસીને જુવાનપુર ગામે દૂધ આપવા જઈ રહ્યા હતા, ત્યારે મણીપુર હાબરડી ગામના પાટીયા પાસે પહોંચતા કોઈ અજાણ્યા ફોર વ્હિલરના ચાલકે વરજાંગભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેઓ મોટરસાયકલ સાથે ફંગોળાઈ ગયા હતા અને તેમને જીવલેણ ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
અકસ્માત સર્જીને આરોપી વાહનચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના પુત્ર લખમણભાઈ વરજાંગભાઈ લુણાની ફરિયાદ પરથી અજાણ્યા કાર ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.
_____________________________________________________________________________
ખંભાળિયાના યુવાનને અપમાનિત કરી, લૂંટ ચલાવવા સબબ ફરિયાદ
ખંભાળિયામાં નગર નાકા પાસે રહેતા ગૌતમભાઈ ઉર્ફે ગોટીયો ખીમજીભાઈ ડોરુ નામના 33 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન સાથે જૂની માથાકૂટનું મનદુઃખ રાખીને મુકેશગીરી પ્રતાપગીરી ગોસ્વામી નામના શખ્સે બિભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા.
આ ઉપરાંત આરોપી મુકેશગીરીએ ફરિયાદીને લાકડાના ધોકા વડે બેફામ માર મારી, ફરિયાદીના ખિસ્સામાં રહેલા રૂપિયા 850 ની લૂંટ ચલાવ્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસમાં નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસે એટ્રોસિટી તથા બીએનએસની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
_____________________________________________________________________________
ખંભાળિયા નજીક બસની ઠોકરે પરપ્રાંતિય યુવાન ઈજાગ્રસ્ત
ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે 20 કિલોમીટર દૂર નયારા કંપનીના મેઈન ગેઈટ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે તારેકેશ્વરકુમાર સાહની નામના 24 વર્ષના યુવાનને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે ઈજાગ્રસ્તના કૌટુંબિક મામા રાજકુમાર રાધેશ્યામ સહાની (ઉ.વ. 32, રહે. મૂળ ઉત્તર પ્રદેશ, હાલ મોટી ખાવડી – જામનગર)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
_____________________________________________________________________________
મીઠાપુરમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર
મીઠાપુર નજીક આવેલા મોજપ ગામે રહેતા અજુભા ભુટાભા માણેક નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા 83,892 ની કિંમતના 276 નંગ બિયર તથા દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જો કે દરોડા દરમ્યાન આરોપી અજુભા માણેક પોલીસને હાથ લાગ્યો ન હતો. જે અંગે મીઠાપુર પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
_____________________________________________________________________________
દ્વારકામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી પોલીસે રજાક મામદ બેતારા, અજય દિલીપ દેવીપુજક અને કમલેશ અશોક વાઘેલીયાને તીનપત્તી નામનો જુગાર રમતા ઝડપી લઇ, રૂ. 2740 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
