ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને રચાયેલી જિલ્લા કક્ષાની દેખરેખ સમિતિનાં માર્ગદર્શન હેઠળ ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે “સખી” વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. આ સેન્ટરમાં પિડિત મહિલાઓને કાઉન્સેલિંગ, હંગામી આશ્રય, તબીબી, કાયદાકીય અને પોલીસ સહાય જેવી સેવાઓ એક જ સ્થળે પુરી પાડવામાં આવે છે.
એક જાગૃત નાગરિક દ્વારા રાત્રીના સમયે 181 મહિલા અભયમ હેલ્પલાઇનમાં જાણ કરવામાં આવી હતી કે એક અંદાજે 60 વર્ષનાં વૃધ્ધ મહિલા ગુમસુમ બેઠા છે. કોલ મળતા જ 181 ની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને તેમની સાથે સામાન્ય પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ, મહિલા દ્વારા સંતોષકારક માહિતી કે પ્રતિભાવ ન મળતા તેમની સુરક્ષાને ધ્યાનમાં લઈ આ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લવાયા હતા. જ્યાં તેમણે આરામ તથા માનસિક સ્વસ્થતા મળે તેવુ વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ તેમની ઓળખ અને પરિવારજનોની માહિતી મેળવવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. તેમની પુત્રીનો સંપર્ક મળતાં બીજા દિવસે તેમણે રૂબરૂ સેન્ટર પર બોલાવવામાં આવ્યા હતા.
તેમની પુત્રી દ્વારા પોતાના સાસરે તેમની માતાની યોગ્ય સંભાળ રાખવી મુશ્કેલ હોવાની વાત કરી હતી. ઉપરાંત માનસિક બિમારીની સ્થિતિમાં વારંવાર તેઓ કોઇને જાણ કર્યા વિના ઘરેથી નીકળી જતા હોવાથી તેમને પોતાની સાથે રાખવા શક્ય નહોતા. આથી લાંબા ગાળાના આશ્રય માટે તેઓને વૃદ્ધાશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી આપવા વિનંતી કરવામાં આવી હતી. આ અંગે પુત્રી દ્વારા લેખિત સંમતિ મેળવીને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા વૃદ્ધાશ્રમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વૃદ્ધાશ્રમ દ્વારા સ્વીકાર કરાતા સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા આ વૃદ્ધાને વૃદ્ધાશ્રમ ખાતે મોકલી આપવામા આવ્યા હતા.
આમ, સખી વન સ્ટોપ સેન્ટરની ટીમના પ્રયાસો દ્વારા અસ્વસ્થ નિરાધાર વૃદ્ધ મહિલાને સુરક્ષિત આશ્રય તથા યોગ્ય સંભાળ ઉપલબ્ધ કરાવવામાં સફળતા મળી હતી.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
