Headlines

પોરબંદરમાં એમ.ઈ.એમ. સ્કૂલનું રૂ. ૧૦.૪૫ કરોડના ખર્ચે આધુનિક નવનિર્માણ શરૂ



ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર


પોરબંદર શહેરના કમલાબાગ વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકા સંચાલિત એમ.ઈ.એમ. સ્કૂલના આધુનિક નવનિર્માણ પ્રોજેક્ટને હવે વેગ મળ્યો છે. અંદાજિત રૂ. ૧૦.૪૫ કરોડના ખર્ચે તૈયાર થનારા નવા શૈક્ષણિક સંકુલ માટે જૂના અને જર્જરીત બિલ્ડીંગને દૂર કરી નવા બાંધકામની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. શહેરના મધ્યભાગમાં આવેલી આ સ્કૂલના આધુનિકીકરણને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણપ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ બાંધકામ વિભાગ દ્વારા સમગ્ર પ્રોજેક્ટનું આયોજનબદ્ધ રીતે અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓના શિક્ષણમાં કોઈ પ્રકારનો વિક્ષેપ ન આવે તે માટે સ્થળાંતરની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. સ્થળાંતર પૂર્ણ થયા બાદ તાત્કાલિક નવા બિલ્ડીંગના મુખ્ય બાંધકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
નવનિર્માણ પામનાર ચાર માળના આધુનિક બિલ્ડીંગમાં વિદ્યાર્થીઓને આધુનિક અને ગુણવત્તાસભર શિક્ષણ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં વિશાળ ક્લાસરૂમ, પ્રાર્થના હોલ, સ્ટાફ રૂમ, પ્રિન્સિપાલ ઓફિસ, કોમ્પ્યુટર લેબ, ડિજિટલ લાઇબ્રેરી, આધુનિક લેબોરેટરી અને વોકેશનલ ટ્રેનીંગ હોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત દરેક માળે લિફ્ટ તથા એક્ટિવિટી સ્ટોરની સુવિધા પણ ઉભી કરવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મધ્યમ અને જરૂરિયાતમંદ પરિવારોના વિદ્યાર્થીઓને શહેરના હાર્દસ્થાને નજીવી ફીમાં અંગ્રેજી માધ્યમમાં આધુનિક શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનશે. મહાનગરપાલિકાનું લક્ષ્ય આગામી ૧૧ મહિનામાં સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરી વિદ્યાર્થીઓને નવું શૈક્ષણિક સંકુલ સમર્પિત કરવાનો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *