સગાઈ તોડવાની અદાવતમાં યુવતી અને તેના પરિવાર પર હુમલો કરી મોત નીપજાવનાર આરોપીઓને કમલાબાગ પોલીસે બાતમીના આધારે દબોચી લીધા
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરના સમયે બિરલા હોલ પાછળ નેહરુ પેલેસ એપાર્ટમેન્ટના ત્રીજા માળે એક બ્લોકમાં હત્યાનો સનસનીખેજ બનાવ બન્યો હતો. આ ગંભીર ઘટનાની તપાસ માટે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને પોરબંદર શહેરના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ દ્વારા કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે રામને આરોપીઓને સત્વરે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. પોલીસે આ ઘટના અંગે ગુનો દાખલ કરી ગુનાના કામે સંડોવાયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં સફળતા મેળવી છે.
આ ચકચારી ગુનાની વિગત એવી છે કે ભોગ બનનાર યુવતીની સગાઈ અગાઉ આરોપી સુહાગી ઉર્ફે જગદીશભાઈ રાયચુરા સાથે બંને પરિવારની સહમતીથી થઈ હતી. સગાઈ થયા બાદ આશરે દોઢેક માસથી આરોપી સુહાગી યુવતી તથા તેના પરિવારના સભ્યો સાથે ગાળાગાળી કરી ઝઘડો કરતો હતો. આ સતત કજિયાના કારણે કંટાળીને યુવતીએ સગાઈ તોડવાની વાત આરોપી સુહાગીને કરી હતી. સગાઈ તૂટી જવાની વાતનું મનદુઃખ રાખીને આરોપી સુહાગી પ્રથમ યુવતીના ઘરે ગયો હતો અને ત્યાં યુવતી તથા તેના ઘરના સભ્યોને એલફેલ બોલી ગાળાગાળી કરવા લાગ્યો હતો. ત્યારબાદ તેણે અન્ય આરોપીઓ જગદીશભાઈ લીલાધર રાયચુરા તથા શિલ્પાબેન જગદીશભાઈ રાયચુરાને પણ ત્યાં બોલાવી લીધા હતા.
આ તમામ આરોપીઓએ એકસંપ થઈને યુવતી, તેના મમ્મી-પપ્પા તથા બંને બહેનોને ઢીકાપાટુનો માર માર્યો હતો. આરોપીઓએ યુવતીની માતા તથા પિતાને શરીરે મૂઢ ઈજાઓ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન યુવતીની મોટી બહેન પોતાના મોબાઈલમાં આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવા જતા આરોપીઓએ તેને પ્લાસ્ટિકની પાઇપ વડે માર માર્યો હતો. આ ઝઘડાની વચ્ચે પડતા આરોપીઓએ યુવતીને પકડી રાખી હતી અને તેની મોટી બહેન વૃંદાબેન ઉર્ફે વંશિકાકુમાર ધીરજલાલ નિર્મળને જોરથી ધક્કો મારી કબાટમાં ભટકાવી નીચે પછાડી દીધી હતી, જેના કારણે તેણીને શરીરે અંદરના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું. આ હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં સુહાગી ઉર્ફે જગદીશભાઈ રાયચુરા, જગદીશભાઈ લીલાધર રાયચુરા અને શિલ્પાબેન જગદીશભાઈ રાયચુરાનો સમાવેશ થાય છે, જે તમામ શ્રીજી સંકુલ એપાર્ટમેન્ટ, ફાયર બ્રિગેડ સામે, ઝુંડાળા, પોરબંદરના રહેવાસી છે.
આ ગુના આચરીને ભાગી ગયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે ફરિયાદીની પૂછપરછ કરી તાત્કાલિક સર્વેલન્સની ટીમ બનાવી બાતમી મેળવી હતી કે આરોપીઓ પોતાના રહેણાંક મકાનેથી ભાગી જવાની તૈયારીમાં છે. જેથી સર્વેલન્સ ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભીમશી પરબતભાઈ, નરેન્દ્ર ત્રિકમભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સાજન રામશીભાઈ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ, વિજય ખીમાભાઈ, સુરેશ કીશાભાઈ અને દક્ષાબેન ગીજુભાઈએ તાત્કાલિક દરોડો પાડી આરોપીઓને દબોચી લીધા હતા. આ સમગ્ર સફળ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે રામ, સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એ ડોડીયા, સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી પી માળીયા, એન ટી ભટ્ટ, એસ આઈ સી એચ તમન્ના, પોલીસ કોન્સ્ટેબલ સાજન રામશીભાઈ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ, વિજય ખીમાભાઈ, સુરેશ કીશાભાઈ, લક્ષ્મણ નેબાભાઈ, દક્ષાબેન ગીજુભાઈ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ મીલન લીલાભાઈ સહિતના પોલીસ સ્ટાફના સભ્યો જોડાયા હતા.
