– સ્થાનિક પોલીસે 2 કિલો જેટલો ચરસ કબજે કર્યો –
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬
દ્વારકા વિસ્તારમાં સ્થાનિક પોલીસે આજરોજ કરેલી કાર્યવાહીમાં ઓખા મઢી વિસ્તારમાં રહેતા એક શખ્સને રૂપિયા 1.02 કરોડની કિંમતના 2 કિલોગ્રામથી વધુ ચરસ સાથે ઝડપી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણની સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા સ્થાનિક પોલીસને જિલ્લામાં માદક પદાર્થો અને પ્રોહિબિશનને લગતી ગતિ પર અંકુશ મેળવવા માટે આપવામાં આવેલા માર્ગદર્શન હેઠળ દ્વારકાના પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. રાણાભાઈ વાઘેલા અને હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે દ્વારકા તાલુકાના ઓખા મઢી વિસ્તારમાં રહેતા ભાવેશ ઉર્ફે ભાવલો કનુભાઈ ચાસીયા નામના શખ્સના કબજામાંથી રૂ. 1,02,65,000 ની કિંમતના 2.053 કિલોગ્રામ ચરસના જથ્થા સાથે તેનો ઝડપી લેવામાં આવ્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 70,000 ની કિંમતનું મોટરસાયકલ, રૂ. 5,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન અને રૂપિયા 1.02 કરોડના ચરસના જથ્થા સહિત કુલ રૂપિયા 1,03,40,000 નો મુદ્દામાલ કબજે કરી, એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ આગળની કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કામગીરી દ્વારકાના પી.આઈ. વી.કે. કોઠીયા, પી એસ.આઈ. આર.એલ. ચોપડા તથા સ્ટાફના રાણાભાઈ વાઘેલા, હરપાલસિંહ ઝાલા, થારીયાભાઈ સુમણીયા, કુલદીપભાઈ ખુમાણ અને દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે દ્વારકા અને કલ્યાણપુર નજીકના દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસના બિનવરસુ પેકેટ પણ મળી આવ્યા હતા.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
