Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ તથા ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ


– અફવાઓથી દૂર રહી સંગ્રહખોરી ન કરવા તંત્રનો અનુરોધ –

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬

           દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછત અંગે તાજેતરમાં ફેલાયેલી વિવિધ પ્રકારની અફવાઓ પ્રસારિત થઈ રહી હોવાનું તથા પેનિક બાયિંગ (Panick Buying) થવાના કિસ્સાઓ જિલ્લા વહીવટીતંત્રના ધ્યાન પર આવ્યા છે. આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે, જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો નિયમિત તેમજ પૂરતા પ્રમાણમાં આવી રહ્યો છે અને તમામ પેટ્રોલ પંપ પર ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સતત ઇંધણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

      આથી જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે, સોશિયલ મીડિયા પર પ્રસરી રહેલી અફવાઓ પર વિશ્વાસ ન કરે તેમજ ગભરાટના કારણે અનાવશ્યક ખરીદી કે ડીઝલ કે પેટ્રોલનો સંગ્રહ ન કરે. જરૂરિયાત મુજબ જ ઈંધણની ખરીદી કરવા અનુરોધ કરવામાં આવે છે જેથી તમામ ગ્રાહકોને સરળતાથી ઈંધણ ઉપલબ્ધ થઈ શકે.

        અનધિકૃત રીતે ડીઝલ અથવા પેટ્રોલનો સંગ્રહ કરવો નિયમવિરુદ્ધ છે અને આવા કિસ્સાઓમાં જરૂરી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અંતર્ગત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જિલ્લામાં પેટ્રોલ તથા ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી જાહેર જનતાને ગભરાહટભરી ખરીદી (પેનિક બાયિંગ) ન કરવા જિલ્લાના નાગરિકોને દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *