Headlines

દ્વારકામાં વેકેશન, અધિક માસ અને વીક-એન્ડના ત્રિવિધ સંયોગમાં યાત્રીકોનો અભૂતપૂર્વ ઘસારો


જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬

     હાલમાં ચાલી રહેલ અધિક માસમાં આજરોજ વીક-એન્ડની સાથે સાથે ઉનાળુ વેકેશન પણ ચાલી રહ્યું હોય, યાત્રાધામ દ્વારકામાં યાત્રીકો તેમજ સહેલાણીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. વહેલી સવારે મંગળા આરતી પહેલા જ યાત્રીકોની કતારો જગત મંદિરના સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષ દ્વાર પર જોવા મળી હતી. અધિક માસમાં ગોમતી સ્નાનનું પણ સવિશેષ હોય ગોમતી નદીના ઘાટો પર પણ ભાવિકોનો ઘસારો જોવા મળ્યો હતો. તો બીજી તરફ દ્વારકામાંથી પસાર થતાં હાઈવે માર્ગની બંને તરફ વાહનોની કતારો જોવા મળી હતી. શહેરના મુખ્ય રસ્તાઓ સહિતના વિસ્તારોમાં પણ ટ્રાફીકની સમસ્યા જોવા મળી હતી. ઠેર ઠેર જામની સ્થિતિને લીધે ટ્રાફીક બ્રીગેડને પણ ટ્રાફિક નિયમનમાં પગે પરસેવો વળી ગયો હતો.

        વ્યાપક ગરમીભર્યા માહોલમાં પણ દરરોજ હજારો શ્રધ્ધાળુઓએ ચિકકાર ગીર્દી હોવા છતાં પણ હોંશે હોંશે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા.

– શિવરાજપુર બીચ, નાગેશ્વર સહિતના તીર્થ – પર્યટન સ્થળોમાં ભારે ભીડ –

      હાલમાં ચાલી રહેલા ઉનાળુ વેકેશન તથા અધિક માસની સાથે સાથે આજે સપ્તાહના અંતના રજાના માહોલમાં દ્વારકાના જગતમંદિરની સાથે સાથે દ્વારકા દર્શન સર્કિટના બેટ – દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જયોતિર્લિંગ, ગોપી તળાવ, રૂકિમણી મંદિર, શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ, હનુમાન દાંડી, મોમાઈ બીચ સહિતના તીર્થ અને પર્યટન સ્થળોમાં પણ ભાવિકો તથા સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી હતી.

– દ્વારકામાં યાત્રીકોના ઘસારાને લીધે ઠેર ઠેર ટ્રાફીક જામ સર્જાયા –

– હાઈવે પર વાહનોની લાંબી કતારો…

       હાલ ઉનાળુ વેકેશનમાં શાળા કોલેજોમાં રજાઓ ચાલી રહી છે, તો બીજી તરફ અધિક માસ પણ ચાલી રહ્યો છે. ત્યારે આજરોજ વીક-એન્ડની શરૂઆત સાથે ત્રિવિધ સંયોગ સર્જાતા યાત્રાધામ દ્વારકા ખાતે શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું હતું. પ્રવાસીઓના અસાધારણ ઘસારામાં વાહનોની સંખ્યા પણ અનેકગણી વધી ગઈ હોય સમગ્ર શહેરભરમાં ટ્રાફીક

વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોય તેમ ટ્રાફીક જામના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળ્યા હતા. અહીં અંતિમ યાત્રા બસ પણ જામમાં ફસાઈ ગઈ હતી.

– ઠેર ઠેર ચકકાજામ : વાહનોની લાંબી કતારો –

      દ્વારકા શહેરમાંથી પસાર થતા હાઈવે માર્ગ પર ખોડીયાર મંદિરથી કાનદાસ બાપુ આશ્રમ, ચરકલા ફાટક, સનાતન સેવા મંગળ, ઈસ્કોન ગેઈટ, રબારી ગેઈટ, બસ સ્ટેશન સહિતના મહત્વના પોઈન્ટસ પર વાહનોની લાંબી કતારોને લીધે ઠેર ઠેર ટ્રાફિક જામ જેવી સ્થિતિ જોવા મળી હતી. તો શહેરની અંદર પણ મંદિર તરફ જતાં પ્રમુખ માર્ગોમાં પણ વ્યાપક ટ્રાફીકને લીધે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાંકડા રસ્તાઓમાં પણ વાહનોની કતારો સામસામે આવી જતાં ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

– માનવતા શરમાઈ : ટ્રાફીકની ગંભીર સ્થિતિ વચ્ચે અંતિમ યાત્રા બસ અટવાઈ –

      દ્વારકા પંથકમાં હાલ અભૂતપૂર્વ ટ્રાફીક જામની સૌથી ગંભીર અને હૃદયદ્રાવક અસરો પણ સામે આવી હતી. શહેરના ગોમતી રોડ પર સવારના સમયે સર્જાયેલ ભારે ટ્રાફીક જામ વચ્ચે એક સ્થાનીક અંતિમ યાત્રા બસ પણ લાંબો સમય સુધી ટ્રાફીકમાં ફસાઈ ગઈ હતી. અસહ્ય બફારાની સ્થિતિમાં ટ્રાફીકમાં ફસાયેલા સ્મશાન વાહિનીને લીધે શોકગ્રસ્ત પરિવારજનોએ આખરે અધવચ્ચેથી બસને છોડી સ્મશાન સુધી નનામીને પગપાળા લઈ જવી પડી હોય, આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં તંત્રની ટ્રાફીક મેનેજમેન્ટ કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી હતી.

   દર વર્ષે વેકેશન દરમ્યાન તેમજ તહેવારોમાં આવી સ્થિતિ સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા આગોતરા ટ્રાફીક પ્લાનીંગનો અભાવ સ્પષ્ટપણે દેખાતો જોવા મળ્યો હતો.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *